ગાતે ગાતે આયના સામે જોઈને નવું વસ્ત્ર પણ ધારણ કરવા માંડ્યું. આયનામાં પુરુષના દેહ પુરુષને સુંદર લાગે તો પછી આયનામાં સ્ત્રીને પોતાનો દેહ સુંદર લાગે એમાં નવાઈ નથી ! સામાન્યતઃ એમ મનાતું કે જ્યોત્સ્નાને પોતાના સૌંદર્યનું પૂરું ભાન નથી; પરંતુ સૌંદર્યના ભાન વગરની કોઈ સ્ત્રી જન્મી જ નથી. ત્વચા, મુખ, આંખ અને વસ્ત્રમાં કોઈ પણ પ્રકારનું રંગપ્રમાણ બંધ બેસતું આવે છે કે નહિ તે જોવામાં મશગૂલ રહેલી જ્યોત્સ્નાએ વસ્ત્રની પસંદગીમાં વાર કરવા માંડી. એક વસ્ત્ર નાપસંદ કરી બીજું લીધું અને બીજું નાપસંદ કરીને ત્રીજું લીધું. ધનિકતાને અને ધનિકતાના સ્ત્રીવિભાગને કપડાંની કદી ખોટ પડતી નથી... જોકે તેમને... તો કપડાંના દુષ્કાળનો ભાસ ચારે બાજુએ લાગ્યા જ કરે છે ! ત્રીજું વસ્ત્ર જ્યોત્સ્નાને ગમ્યું લાગ્યું. વસ્ત્રને વીંટાળતાં વીંટાળતાં તેણે વસ્ત્રને પોતાના હાથ સાથે, બંગડીના રંગ સાથે. કાનના લોલક-રત્ન સાથે અને અંતે લલાટ અને વાળ સાથે રંગ મેળવણીની દૃષ્ટિએ સરખાવી જોયું અને તેની ઘડિયાળમાં ચાર ટકોરા વાગ્યા. એકાએક તેણે પાછળ જોયું. પાછળ બારણું ખાલી બંધ હતું, એટલી જ જાણે ખાતરી કરવી હોય તેમ તેણે સહજ ગાતે ગાતે પોતાની એક સુંદર સાડી ઓઢવા માંડી. અને ઓઢવામાં અત્યાર સુધી શિથિલતા હતી તે દૂર કરી. પરંતુ તે વસ્ત્ર પહેરી રહી નહિ અને બારણા પર ટકોરા પડ્યા. જ્યોત્સ્નાએ વસ્ત્ર પહેરવામાં વધારે ઝડપ કરી, છતાં તે વસ્ત્રને પૂરું ગોઠવી શકી નહિ. બીજી વાર ટકોરા પડ્યા અને જ્યોત્સ્નાએ કહ્યું :
‘બારણું ખુલ્લું છે; આવો જે હો તે.’
આયનામાંથી જ્યોત્સ્ના જોઈ શકી કે સુરેન્દ્ર બારણામાંથી પ્રવેશ કરતો હતો. દેહ ઉપર વસ્ત્ર વીંટતી. વનિતાઓને નિહાળી સજ્જનો આડા ફરી જાય છે અને અર્ધ સજ્જનો આડા ફર્યા છતાં આંખને ખૂણે વસ્ત્ર તથા વનિતા બંને દેખાય એમ કીકીને ગોઠવે છે. સુરેન્દ્રે સંપૂર્ણ આંખ ફેરવી લીધી અને જ્યોત્સ્ના તરફ પીઠ ફેરવીને એક પુસ્તક જોવા માંડ્યું. વસ્ત્ર પૂરેપૂરું ગોઠવતે ગોઠવતે તેના ભણી ફર્યા વગર જ જ્યોત્સ્નાએ કહ્યું:
‘બહુ દિવસે દેખાયો, સુરેન્દ્ર !’ કહી હજી પણ વસ્ત્રને ગોઠવતી સુરેન્દ્ર તરફ તે આવી. એક ખુરશી પર બેઠી અને પાછું કહ્યું
‘બિરાજો, મહાશય ! આટલે દિવસે આવ્યા ખરા !’
સુરેન્દ્ર સામી ખુરશી ઉપર બેઠો અને જ્યોત્સ્ના સામે જોયા વગર જ તેણે જવાબ આપ્યો - સહજ અટકી અટકીને :
‘હું તો... ઠર્યા પ્રમાણે... અઠવાડિયે ત્રણ દિવસ આવી જાઉં છું.’