પૃષ્ઠ:Snehashristi.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦:સ્નેહસૃષ્ટિ
 

‘પછી?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘પછી શું ? પછી તું મળે જ નહિ, એટલે આ ચિઠ્ઠી લખીને હું જરા વહેલો આવ્યો. તને કાંઈ હરકત તો નથી ને ?’

‘હરકત હોય તોયે શું ! તું હવે આવ્યો જ છો, એટલે? પણ જો, સુરેન્દ્ર જરા મારી સામે જો... હાં, એમ... હું હમણાં તો ઘણુંખરું પાંચ વાગ્યાથી મધુકર સાથે ફરવા જાઉ છું.’ કહી જ્યોત્સ્નાએ સુરેન્દ્ર તરફ જોવાનું ચાલુ રાખ્યું.

‘હં... સારું...’ સુરેન્દ્રે જવાબમાં કહ્યું, અને આંખ ફેરવી લીધી.

‘પણ હું ક્યાં ક્યાં એની સાથે જાઉ છું એની તને ખબર છે ? ક્લબમાં, સિનેમામાં, હૉટેલમાં, કોઈ મિત્રને ત્યાં અગર બાગમાં... મધુકર જ્યાં લઈ જાય ત્યાં હું જાઉં છું.’

‘ઘણું સારું. તારે આ રીતે ફરવાની સહેજે જરૂર જ હતી. અને ખાસ કરીને તું જે દુનિયામાં રહે છે, તેમાં તો બહુ જ જરૂરી.’ સુરેન્દ્રે મુખ ઉપર કોઈ પણ મનોભાવ વ્યક્ત કર્યા સિવાય કહ્યું.

‘ફરવું એ જરૂરી ખરું. પરંતુ મારો અભ્યાસ એ પણ જરૂરી ખરો ને?’

‘તારો અભ્યાસ તો સારો ચાલે છે; તારા પ્રોફેસર તારાથી રાજી છે.’ સુરેન્દ્રે કહ્યું.

‘પરંતુ તું ક્યાં રાજી છે. મારા અભ્યાસથી ?’ જ્યોત્સ્નાએ સહજ તીખાશથી કહ્યું.

‘જ્યોત્સ્ના ! અભ્યાસમાં તને કદી મારી જરૂર હતી જ નહિ. એ મેં તને પહેલેથી જ કહ્યું હતું, અને કહેતો જ આવ્યો છું અને અત્યારે પણ કહું છું કે મારા વગર પણ તારો અભ્યાસ સારો ચાલે છે.’ સુરેન્દ્રે જવાબ આપ્યો.

‘હું તને સમજી શકતી નથી, કે તું મને સમજી શકતો નથી ? ખામી તારામાં છે કે મારામાં?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘ખામી મારામાં જ છે એમ માની લેજે. મને સમજવો એ બહુ અઘરું કામ નથી.’ સુરેન્દ્રે જરા સ્મિત કરી કહ્યું.

‘હું અને તું બંને જવલ્લે જ હસીએ છીએ. તને આ ક્ષણ સ્મિત કરવા સરખી લાગતી હોય તો તું જાણે. પરંતુ હું મધુકર સાથે હરવાફરવા જાઉં છું એ તો તેં સાંભળી લીધું ને?’

‘હા, અને નોંધી પણ લીધું.’

‘સુરેન્દ્ર ! તારામાં અદેખાઈ નહિ હોય એ હું જાણું છું. મને એ ગમ્યું જરૂર... પણ તારામાં જરાય અભિમાન છે ખરું ?’