‘શાનું અભિમાન ?’
‘રૂપનું, ભણતરનું, શક્તિનું, ભાવનાનું… અને તારા પૌરુષનું… કશાનુંય અભિમાન છે ખરું ?’
‘તારે શું કહેવરાવવું છે ?’
‘કે તારામાં અભિમાન છે.’
‘અને હું એમ ન કહું તો ?’
‘તો… હું... તને થોડું અભિમાન ઉછીનું આપીશ.’
‘જ્યોત્સ્ના ! મારું પોતાનું અભિમાન ઘસાઈ ઘસાઈને ઊડી ગયું છે. તું ઉછીનું અભિમાન આપીશ તેયે ઘસાઈને ઊડી જશે તો ?’
‘મારી પાસે અખૂટ અભિમાન છે… અભિમાનનો ભંડાર ભર્યો છે… ખૂટે ત્યારે હું તને આપ્યે જઈશ; માગી લેજે… મારી સાથે રહેવું હોય તો…’
‘હું કાંઈ પણ માગતો આવીશ તે ક્ષણે તારા મહેલના દરવાજા આપોઆપ મારી સામે બંધ થઈ જશે.’
‘તું મારી પાસે અભિમાન માગીશ તોપણ ? એ કાંઈ કિંમતી વસ્તુ નથી…’ જ્યોત્સ્ના બોલી.
‘હા, કાંઈ પણ માગવું એટલે જીવ વગરનું ખોખું મેળવવું… માગ્યે અભિમાન પણ તું મને નહિ આપે !’ સુરેન્દ્રે જવાબ આપ્યો.
‘એમ ? તને એ બીક લાગે છે !… વારુ !… તને વધારે પિછાનવો જોઈતો હતો… કહે… મારા દરવાજામાંથી બહાર નીકળી હું તને અભિમાન આપવા તારે ત્યાં આવું તો ?… તારે માગવાપણું રહેશે જ નહિ.’
સુરેન્દ્ર થોડી ક્ષણ જ્યોત્સ્ના સામે જોઈ રહ્યો; જ્યોત્સ્ના પણ તેની સામે જ જોઈ રહી હતી. બંનેની આંખમાં ક્ષણભર કોઈ પ્રેમની જ્વાલા ઝબકી રહી હતી. સુરેન્દ્રે આંખ ખસેડી લીધી. માથા ઉપર પોતાનો હાથ ફેરવ્યો, અને બંને હાથ ભેગા કરી સહજ મસળ્યા… જાણે વસ્તુને હાથમાંથી એ ખંખેરી નાખી સાફ કરતો હોય તેમ.
‘તું કાંઈ સમજ્યો ?… કે વધારે સમજણ આપું ?’ સુરેન્દ્રની શાંતિ અસહ્ય થઈ પડતાં જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘એટલે… મારામાં અભિમાન તો નથી જ… સાથે સમજ પણ આછી છે, ખરું જ્યોત્સ્ના ?’ સહજ હસીને સુરેન્દ્રે પૂછ્યું.
‘તારામાં અભિમાન નથી એમ તું કહે છે… તારામાં અભિમાન કરતાં પણ અક્કલ ઓછી છે એમ હું કહું છું… સાચું એ તો ભાવિ કહેશે… પણ… સાંભળ, એક નાની સરખી વાત હું તને કહું.’ જ્યોત્સ્ના બોલી.