પૃષ્ઠ:Snehashristi.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨:સ્નેહસૃષ્ટિ
 

‘વાંચવું નથી ?… પાછો તારે મધુકર સાથે ફરવા જવાનો સમય થશે.’

‘ભલે થાય… મધુકર આવશે તો એ પણ મારી વાર્તા સાંભળશે… હવે તારી સાથે વાંચવું તો છે જ નહિ… માત્ર તારી સાથે એક જ કામ રહ્યું છે… તને એક વાર્તા કહેવાનું !’

‘કહે ભલે ! હું સાંભળીશ.’

‘અને સમજીશ એમ કહે.’

‘હા; સમજીશ.’

‘જો… એક લાંબી વાર્તા માંડું… સાંભળ… એક હતો રાજકુમાર; એને ચાહતી હતી એક રાજકુમારી…’

‘હં… પછી ?’ વાર્તા ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવાનો ડોળ કરી સુરેન્દ્રે કહ્યું.

‘વચમાં આવ્યો એક લૂંટારો…’

‘હં’

‘એ લૂંટારાને જોઈએ રાજકુમારીનાં ઘરેણાં, લૂગડાં, મિલકત અને રાજ્ય… કારણ રાજ્યની વારસ પણ હતી એ રાજકુમારી…’

‘પછી ?’

‘એ લૂંટારામાં ઠીક ઠીક અક્કલ હતી… એણે જોયું કે રાજકુમારીને ઉપાડી જવામાં જ એને બધું મળે એમ હતું. એણે રાજકુમારીને ઉપાડી જવા માંડી…’

‘હં… પણ એ સામી ન થઈ ?’

‘એ વાર્તા હજી આગળ આવશે… સાંભળ તો ખરો !… એ લૂંટારાને લૂંટનો માર્ગ ચીંધનાર જ પેલો રાજકુમાર, જેને રાજકુમારી ચાહી રહી હતી તે જ.’

‘સરસ વાર્તા છે. રોમાંચભરી ! પછી ?’ સુરેન્દ્રે કહ્યું.

‘પછી તો… લૂંટારાએ રાજકુમારીને ઊંચકવા માંડી… ઊંચકી પણ ખરી… એને ઊંચકીને ચાલવા પણ માંડ્યું…’

‘એમ ?’

‘અરે, સાંભળ તો ખરો ! રાજકુમાર જાણે છે કે રાજકુમારી એને ચાહે છે… રાજકુમાર જુએ છે કે લૂંટારો તેને ઊંચકી જાય છે… હવે રાજકુમારી પૂછે છે કે રાજકુમારને આંખ છે કે નહિ ?… રાજકુમાર કહે છે કે એને પોતાને આંખ છે… છતાં એ લૂંટારાની સામે થતો નથી… રાજકુમારીની