પૃષ્ઠ:Snehashristi.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજકુમારીની વાર્તા : ૧૫૩
 

બૂમ તે સાંભળે છે છતાં…’ જ્યોત્સ્નાએ અસરકારક ઢબે વાર્તા કહી.

‘પછી ?’ નિષ્ક્રિય ઢબે સુરેન્દ્રે પૂછ્યું.

‘પછી પછવાડું અને આગળ ભીંત !… નથી કહેવી મારે વાર્તા આગળ ! જાણી જોઈને જે વાતોની કહેણી બગાડે એને વાર્તા શી કહેવી ?’ કહી જ્યોત્સ્ના જરા મુખ ફેરવી બેઠી.

સુરેન્દ્ર પણ થોડી ક્ષણ શાંત બેઠો અને અંતે એણે એક નિઃશ્વાસ સહ કહ્યું :

‘જ્યોત્સ્ના ! તારા જીવનમાં રાજ્ય, રાજકુમાર કે રાજકુમારી છે જ નહિ.’

‘તે તેં જ્યોતિષીને પૂછ્યું હશે, ખરું ?’

‘માનવ વિશ્વમાં જ્યોતિ જ ક્યાં છે તે હું પાછો જ્યોતિષને પૂછવા જાઉ ? વાતો આગળ લંબાવવી હોય તો હવે એમ કહે…જે રાજકુમાર આમ જોવા છતાં નિષ્ક્રિય બની બેઠો. હાલ્યોચાલ્યો નહિ અને રાજકુમારીએ છોડી દીધો, એની સામે પણ જોયું નહિ, એનું નામ પણ લીધું નહિ અને સાહસિક લૂંટારાને રાજકુમારીએ વરમાળા આરોપી દીધી…’ સુરેન્દ્રે આગળ વાર્તા કહી.

‘એટલે એમ કહેને કે રાજકુમારને રાજકુમારી ગમતી જ ન હતી ! નહિ ?’

‘ગમતી હોય તોય ! રાજકુમારના ઝુંપડી બની ગયેલા રાજમહેલમાં રાજકુમારીને સુખથી રાખી શકાય એમ ન હોય… તો રાજકુમાર બીજું શું કરે ? સુરેન્દ્રે જવાબ આપ્યો.

‘પરંતુ… રાજકુમારી રાજ્ય ને રાજમહેલ પોતાની સાથે લઈને આવતી હોય તો ?’

‘પત્નીને વૈભવે જીવતો પુરુષ પતિત છે, જ્યોત્સ્ના !’ સુરેન્દ્રે કહ્યું.

‘અને સ્ત્રીઓએ પતિના વૈભવ ઉપર જીવવું, નહિ ?’

‘કોઈ કોઈના વૈભવ ઉપર ન જીવે… પોતપોતાની શ્રમકમાણી ઉપર જીવે… અને સહુ જીવે… એવી દુનિયા હું માગું છું. જ્યોત્સ્ના !’

‘ધર્મ થયા, ધર્માચાર્યો થયા : ફિલસૂફી રચાઈ અને ફિલસૂફો ઊપજ્યા, ધન ઊપજ્યું. રાજા-મહારાજા અને સરમુખત્યાર જમ્યા; યુદ્ધો થયા, સેનાપતિ થયા અને યુદ્ધશાંતિ પણ થઈ ચૂકી. છતાં માનવજાતને માથેથી ગરીબીનો કાળો કાંટાળો તાજ હજી ખસ્યો નથી… કોનું અભિમાન રહે ? ક્યાં અભિમાન રહે ?’ સુરેન્દ્ર બોલ્યો.