પૃષ્ઠ:Snehashristi.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરળ બનતો માર્ગઃ ૧૫૭
 


‘જરા વધારે વિવેકથી વિદાય આપવી જોઈએ. ચાલ.’ કહી જ્યોત્સ્નાએ જવા માંડ્યું.

‘સહેજ બેસ તો ખરી ? શું બન્યું એ તો કહે ?’ મધુકરે સુરેન્દ્ર પાછળ જતી જ્યોત્સ્નાને રોકવા કહ્યું.

‘પછી કહું છું…’ કહી જ્યોત્સ્ના આગળ ચાલી. મધુકરને એની પાછળ જવું પડ્યું.

બન્ને જણ જોઈ રહ્યાં હતાં કે સુરેન્દ્ર રાવબહાદુરના દીવાનખાનામાં પ્રવેશ કરી ચૂક્યો હતો.

જીવનભર સાથ સેવી રહેલાં રાવબહાદુર અને યશોદા પોતાના દીવાનખાનામાં રોજની માફક બેઠાં હતાં. ધનિકોના સરળ ચાલતા વ્યવહારમાં સમય ઘણી વાર ઢીલો… ધીમો પડી જાય છે, શું કરવું એ સમજાતું નથી; સ્મરણો પણ ખૂટી જાય છે. કાર્યક્રમ ખાસ હોતો નથી; આરામ પણ ધનિકોની આસપાસ આળોટી અકળાઈ જાય છે. આછી તંદ્રા અનુભવતાં પતિપત્ની સામે જઈ સુરેન્દ્રે નમસ્કાર કર્યા.

‘ઓહો ! આવો. કેમ આવવું થયું ?’ રાવબહાદુરે પૂછ્યું.

‘આપનો હું આભારી છું, સાહેબ ! પરંતુ મને એમ લાગે છે કે જ્યોત્સ્નાને મારા શિક્ષણની હવે જરૂર નથી.’ સુરેન્દ્રે કહ્યું.

‘એમ ? હા… પરીક્ષા પણ આવી… અને મધુકરનો પણ કાંઈ એવો જ મત હતો એમ મને યાદ આવે છે…’ રાવબહાદુરે સુરેન્દ્રને અનુકૂળતા કરી આપી.

‘આપણે જ્યોત્સ્નાને પૂછી જોઈએ…’ યશોદાબહેને કહ્યું. અને એટલામાં જ જ્યોત્સ્નાએ દીવાનખાનામાં પગ મૂક્યો.

‘એ જ આવે છે ને !’ રાવબહાદુરે કહ્યું અને જ્યોત્સ્ના માતાની સાથે મૂકેલી ખુરશી ઉપર બેસી ગઈ.’

‘કેમ જ્યોત્સ્ના ! આ તારા શિક્ષક શું કહે છે ?’ યશોદાએ પૂછ્યું.

‘શું કહે છે ? કાંઈ ફરિયાદ છે મારી વિરુદ્ધ ?’ જ્યોત્સ્નાએ સુરેન્દ્ર તરફ ન નિહાળતાં માતાને પૂછ્યું.

મધુકર પણ ધીમે રહી એક બાજુએ આવી બેસી ગયો હતો.

‘ફરિયાદ તો કાંઈ જ નથી. ઊલટું એ તો કહે છે કે એમના શિક્ષણની હવે તારે જરૂર નથી.’ માતાએ કહ્યું.

‘હા; એ સાચી વાત છે. એ જ એમ કહે છે… એટલે મેં પણ એમને કહી દીધું…’ જ્યોત્સ્ના બોલી.