પૃષ્ઠ:Snehashristi.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮:સ્નેહસૃષ્ટિ
 


‘શું ?’

‘કે હવે એ ભલે ન આવે.’

‘તો મધુકર ! તમારા મિત્રને આ માસનો પગાર આપી દો… અને એક માસના પગાર જેટલું વધારામાં ઈનામ.’ રાવબહાદુરે કહ્યું. ધનિકો ધારે ત્યાં ઈનામો ફેંક્યે રાખે છે.

‘નહિ સાહેબ ! હું ઈનામ લેતો જ નથી. મહેનત વગરનો બદલો ન જ હોય.’ સુરેન્દ્રે કહ્યું.

અને મધુકરે ઊભા થઈ સુરેન્દ્રને પોતાની બાજુએ બોલાવ્યો અને તેને ખંડની બહાર લઈ ગયો.

‘સારું થયું એની મેળે જ એ ગયો તે. ઇનામની ના પાડનાર વિચિત્ર કહેવાય !’ યશોદાએ મધુકર તથા સુરેન્દ્રના ગયા પછી કહ્યું.

‘વિચિત્રતા તો ખરી જ, પરંતુ એવાયે માણસો નીકળે છે ખરા !’ રાવબહાદુરે કહ્યું.

‘બહુ થોડા… પણ એ દુઃખી થવાના !’ યશોદાએ કહ્યું.

‘ખરું… છતાં કદી કદી મળી આવે છે ખરા… આ છોકરાને જોઈ મને મારો એક બાલમિત્ર યાદ આવ્યો.’ રાવબહાદુરે કહ્યું.

‘તમને એ મિત્ર ઘણી વાર યાદ આવે છે.’ યશોદા બોલ્યાં.

‘હા, મને વારંવાર લાગ્યા કરે છે કે મારો આ આખો વૈભવ એના ત્યાગ ઉપર ઊભો થયો નહિ હોય ?’ રાવબહાદુરે કહ્યું.

‘એ કોણ હશે, પિતાજી ?’ જ્યોત્સ્નાએ ચર્ચામાં રસ લીધો.

‘તારા બાપનો તો સ્વભાવ જ એવો છે કે જેમાં તેમાં બીજાને જ યશ આપશે. આ વૈભવમાં એમનો કેટલો શ્રમ છે એ બીજું કોઈ નહિ તો હું તો જાણું ને ?’ માતાએ કહ્યું.

‘પણ મા ! એ કોણ મિત્રનું નામ દે છે એ તો આપણે જાણીએ ?’ જ્યોત્સ્નાએ વધારે રસ દર્શાવ્યો.

‘હતો એ મિત્ર ! એણે મને પરીક્ષામાં પહેલો આવવા દીધો હતો ! પોતાના પૈસા મને આપી એણે વ્યાપાર કરાવ્યો… નફામાં ભાગ ન લીધો. અને મને જ ધનિક થવા દીધો !’ રાવબહાદુરે કહ્યું.

‘તે તમે ક્યાં એને ભાગ આપવા ના પાડી હતી ?’ માએ કહ્યું.

‘એ ક્યાં છે, હમણાં ?’ જ્યોત્સ્નાને પૂછ્યું.

‘વર્ષોથી એ દેખાયો નથી.’ રાવબહાદુરે કહ્યું.

‘એમ? આપણે તપાસ કરાવી હતી ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.