પૃષ્ઠ:Snehashristi.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરળ બનતો માર્ગઃ ૧૫૯
 


‘અરે, એની તપાસ કરનારાં તો કંઈક માણસો હતાં !… પોલીસ સુધીનાં માણસો.’ માતાએ કહ્યું.

માતાને એ વાત બહુ ગમતી હોય એમ દેખાયું નહિ, અને જ્યોત્સ્નાએ એ બદલ કાંઈ વધારે પ્રશ્નો પૂછ્યા નહિ.

મધુકર એટલામાં સુરેન્દ્રને વિદાય કરી પાછો આવ્યો.

‘આજ તો હું જરા રખડી આવું.’ જ્યોત્સ્નાએ માતા-પિતાની પરવાનગી માગી. માતા-પિતાની સાથે જ્યોત્સ્ના આજ જવા માગતી ન હતી એ વાત સ્પષ્ટ હતી. માતા-પિતા પણ ઈચ્છી રહ્યાં હતાં કે જ્યોત્સ્ના ભલે મધુકરને લઈને એકલી ફરવા નીકળે. કોઈ પણ યુવક તરફ ન આકર્ષાતી પુત્રી મહામુશ્કેલીએ મધુકરનો સાથ સ્વીકારતી થઈ હતી. અને મધુકરે પોતાની આવડત અને સફાઈથી એ માતા-પિતાને એટલાં પ્રસન્ન કર્યાં હતાં કે જ્યોત્સ્ના સહજ હકાર ભણે તો તેનાં મધુકર સાથે લગ્ન કરી નાખવાની પણ તેમના હૃદયમાં ઉત્કંઠા જાગી હતી. ઘણી વાર પુત્રી માટે પતિની શોધ એ માતા-પિતાનો ભવ્ય વ્યવસાય થઈ પડે છે. એ વ્યવસાય જ્યોત્સ્ના અને મધુકરનાં લગ્ન થાય તો સંપૂર્ણ થાય એવી આકાંક્ષા પણ માતા-પિતાને રહેવા લાગી. જ્યોત્સ્ના મધુકર સાથે ફરવા જતી હતી ખરી, પરંતુ હજી સુધી માતાપિતાએ જ્યોત્સ્નાના વર્તનમાં એવું કશું ભાળ્યું ન હતું કે જે તેમને બંને વચ્ચેના પ્રેમની સાક્ષી આપે. તેઓ ઇચ્છતાં હતાં કે એવું કાંઈ બને. પરંતુ સાથે ફરવા જવા છતાં મધુકર અને જ્યોત્સ્ના બંનેના વર્તનમાં અતિ નિકટતાના અંશ હજી ઉદ્‌ભવ્યા દેખાતા નહિ.

‘એકલી જાય છે ?’ માતાએ પૂછ્યું.

‘ના. મધુકરને હું સાથે લઈ જાઉ છું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘મારું અહીં કાંઈ કામ ન હોય તો… તો હું આવું.’ મધુકરે પોતાની ફરજનું ભાન સહુને કરાવ્યું.

‘હવે કાંઈ કામ નથી… ભલે, તમે જઈ શકો છો…’ રાવબહાદુરે કહ્યું, અને મધુકર તથા જ્યોત્સ્ના એકબીજાથી જરા દૂર રહીને સાથે સાથે ચાલતાં કારમાં બેસી બહાર નીકળી ગયાં.

‘આ બેને બનશે એમ હું ધારું છું.’ યશોદાએ કહ્યું.

‘શા ઉપરથી ?’ રાવબહાદુરે પૂછ્યું.

‘આટલાં સાથે ફરે છે તે તમે જોતાં નથી ?’

‘કદાચ… મધુકર આપણા ઘરમાં નોકરી કરે છે એ જ્યોત્સ્નાને ખટકતું હોય તો ?… જ્યોત્સ્નાને પૂછી જોઈએ તો ?’