પૃષ્ઠ:Snehashristi.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરળ બનતો માર્ગઃ ૧૬૧
 


યોજના પસંદ કરતાં કહ્યું :

‘હા… એ ઠીક છે… જ્યોત્સ્ના પણ ઘણી વાર કહે છે કે એને પરદેશ જઈ વધારે ભણવું છે… બંનેને મોકલીએ…’

‘પણ તે પરણ્યા પછી. પરણ્યા વગર છોકરા-છોકરીને વિલાયત મોકલવાં એટલે જ કે એમને પરદેશી છોકરા-છોકરી સાથે પરણાવવાં ! મારે એમ કરવું નથી… જ્યોત્સ્ના સાથે લગ્ન કરે તો મધુકર પરદેશ જાય… મધુકર સાથે જ્યોત્સ્ના લગ્ન કરે તો… ભલે… જ્યોત્સ્ના પરદેશ જાય… બન્ને સાથે… હું કહું છું એ ઠીક છે… થઈ ગયું જ માનો.’ યશોદાગૌરીએ સ્ત્રીસહજ યોજના દર્શાવી અને જ્યોત્સ્નાનાં માતાપિતા એ યોજના સફળ થઈ એમ માની લઈ અત્યંત રાજી થયાં.

યશોદાગૌરી જ્યોત્સ્નાની આવવાની રાહ જોવા લાગ્યાં. ક્યારે એ છોકરી આવે અને એને લગ્નની મનગમતી વાત તેઓ સમજાવે !

ડાહી દીકરીને સમજાવવામાં તો વાર લાગવાની જ નથી ! જ્યોત્સ્નાએ કદી માબાપનો બોલ ઉથાપ્યો નથી ! માતાપિતાની એ ભવ્ય શ્રદ્ધા !