પૃષ્ઠ:Snehashristi.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમજની શરૂઆતઃ ૯
 

મેળવ્યો હતો. પરંતુ હવે તે કૉલેજનો અભ્યાસ પૂરો કરી ચૂક્યો હતો અને નોકરીની શોધમાં પડ્યો હતો. જ્યોત્સ્નાનું ભણતર માટેનું છેલ્લું વર્ષ હતું, અને આમે જ્યોત્સ્ના અને સુરેન્દ્ર બન્ને અતડાં અને અવ્યવહારુ ગણાતાં હોવાથી અરસપરસ અંગત મિત્રો હજી બની શક્યાં ન હતાં. એટલે જ્યોત્સ્નાના કથને સુરેન્દ્રના પ્રશ્નમાં આશ્ચર્ય પણ ઉમેર્યું.

‘મને થોડી મદદ ન કરે અભ્યાસમાં ?… મારે મદદની જરૂર છે.’

‘જરૂર… કહે તો કાલથી હું મારી નોંધ તને આપતો જાઉં.’

‘આપણે નક્કી કરવું પડશે… શું શીખવવું, ક્યારે તારે આવવું, કેટલા કલાક આવવું, તને આપવું શું… એ બધું આપણે વિચારી લઈએ.’

‘કાંઈ જ વિચારવાની જરૂર નથી… મને આપવામાં… તો થોડો સમય…’

‘સુરેન્દ્ર ! બીજું પણ એક કામ છે. મારા પિતા વારંવાર એક સારા ભણેલા સેક્રેટરીની શોધ કર્યા કરે છે… તું એ કામ ન કરે ?’

‘જ્યોત્સ્ના ! હું વિચારીને તને કહીશ.’

‘વિચાર્યું હવે ! તું એક વખત ચાલ તો ખરો. મારા પિતાને મળી લે. તું બીજાં કામો કર્યા કરે છે. તારો ચરિતાર્થ ચલાવે છે અને ભણે છે એ હું આજથી જાણતી નથી, ક્યારનીયે જાણું છું… અમારે જરૂર છે, અને તારે વિચારમાં પડવું છે ?’

‘શિક્ષણની મને હરકત નથી… પરંતુ સેક્રેટરીનું કામ મને કદાચ ન ફાવે.’

‘કારણ ?’

‘એ કામ મેં કદી કર્યું નથી.’

‘તું તો ગામડાનો રહીશ ને ?’

‘હાસ્તો… તારા જ પિતાનું ગામડું.’

‘તારા પિતાનું પણ ખરું ને.’

‘હં !… પણ એ તો… જે થયું તે ખરું. એ વાત કેમ યાદ કરવી પડી ?’

‘એટલા માટે કે તું અને હું બંને કોઈ યુગમાં ગામડે પણ રહેતાં. શહેરમાં રહેતાં આપણને આવડતું નહિ…’

‘તને તો આવડતું હશે જ… મને નહિ.’

‘વારુ, એમ. પણ એ ગામડે રહેનારો તું શહેરમાં આવી રહી શક્યો અને ભણી શક્યો… એ બતાવી આપે છે કે કામ ન કર્યું હોય તે કરતાં કરતાં આવડી જાય છે. એટલું જ કહેવાનું.’