જે સમયે રાવબહાદુર ને યશોદાગૌરી જ્યોત્સ્ના-મધુકરનાં લગ્નની સુભગ કલ્પના કરી રહ્યાં હતાં તે સમયે જ્યોત્સ્ના અને મધુકર ઝડપથી કારમાં ચાલ્યાં જતાં હતાં.
‘ક્યી બાજુએ આપણે આજ જવું છે ?’ મધુકરે પૂછ્યું.
‘મારે સુરેન્દ્રને શોધી કાઢવો છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘એને કાઢી મૂક્યા પછી પાછો એને શોધવો છે ?’
‘કાઢી ક્યાં મૂક્યો છે ? એ જાતે જ જવા માગતો હતો.’
‘એમ કહે. તોય એના ગયા પછી એની પાછળ દોડવાની કાંઈ જરૂર ?’
‘શું, મધુકર ! તુંયે એની અદેખાઈ કરે છે ? ગમે તેમ, પણ એ મારો અને તારો મિત્ર તો મટી ગયો નથી ને ?’
‘મિત્ર તો છે જ… પણ હું સાચેસાચ તને પૂછું છું : આવી મૈત્રી ક્યાં સુધી ચાલુ રહે ? એના માર્ગ જુદા… આપણા માર્ગ જુદા… કૉલેજજીવનની વાત જુદી છે… હવે તારે અને મારે જવાબદારી સમજવી જોઈએ ને ?’
‘મેં હજી ક્યાં કૉલેજ છોડી છે ?’
‘છોડવાની તૈયારીમાં જ છે તું તો…’
‘પણ પછી જવાબદારી મારે કઈ ?… કૉલેજ છોડ્યા પછી ?’
‘જીવન એકલાં ગાળવું છે ?’
‘ના, એ શક્ય નથી. સમાજ એકલતાને પોષતો નથી.’
‘તો પછી જવાબદારી તો ખરી જ ને ?’
‘જેને મારી સાથે જીવન ગાળવું હોય તે જવાબદારી લે. મારે શું?’
‘કોની સાથે જીવન ગાળવું છે, જ્યોત્સ્ના ? હું પૂછી શકું ?’
‘શા માટે ન પૂછી શકે ? તેં પૂછ્યું પણ છે, કહ્યું પણ છે. કેટલામી વાર ?’
‘પરંતુ તેં કાંઈ હજી ચોક્કસ જવાબ તો ન જ આપ્યો ને ?’
‘જવાબ પણ મેં આપ્યો છે… યાદ કર.’