પૃષ્ઠ:Snehashristi.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪:સ્નેહસૃષ્ટિ
 


પી… સુરેન્દ્ર જ છે નક્કી.’ કહી જ્યોત્સ્ના નીચે ઊતરી ટોળા તરફ વળી.

‘મધુકર આ ઘેલી યુવતીને નિહાળી રહ્યો. ટોળાની પાછળના ભાગની ખુલ્લી જગામાં કાર ઊભી રહી હતી… અને ટોળાના પાછલા ભાગમાં સુરેન્દ્ર ઘડી દેખાતો - ન દેખાતો ઊભો હતો. ટોળાની વચ્ચેના ભાગમાંથી ભજન અને મંજીરાંના અવાજ આવતા હતા. સ્ત્રી, પુરુષ અને બાળકોના ભજનસાદ ભેગા મળી ગીતને સુશ્રાવ્ય બનાવી રહ્યા હતા. જ્યોત્સ્ના ટોળા પાસે પહોંચી, ભજન પૂરું થયું અને ટોળું વીખરાવા લાગ્યું. રસ્તા ઉપરના મેદાનનો એક ભાગ ત્યાં હતો, અને જમીન ઉપર ધૂળમાં બેસી સામે લૂગડાનો કકડો નાખી એક પુરુષ, એક સ્ત્રી, એક જરા મોટી છોકરી અને બે બાળકો ભજન પૂરું કરી રહ્યાં હતાં. સો-દોઢસો માણસનું ટોળું ભજન સાંભળતું ઊભું રહ્યું હતું. પરંતુ તે વીખરાતાં માત્ર આઠદસ પૈસા નાખતું ગયું. પડતા પૈસાને એ ભજનિક મંડળ જે આવકારથી વધાવી રહ્યું હતું એ દૃશ્ય કરતાં વધારે કરુણ દૃશ્ય બીજું હોઈ શકે કે કેમ એનો વિચાર કરતો સુરેન્દ્ર કાંઈ કકડા ઉપર ફેંકવા આગળ પગ મૂકતો હતો અને તેણે ભજનિક સ્ત્રીપુરુષ વચ્ચે થતી હળવી વાતચીત સાંભળી. કકડા ઉપર પહેલા પૈસાની કંગાલ સંખ્યા વીણતાં વીણતાં પુરુષથી બોલાઈ ગયું :

‘મહેનત માગું છું… મહેનતનું કામ મળતું નથી; ભીખ માગું છું… અને ભીખ મળતી નથી. કલાક સુધી ભજન ગાયાં અને પૂરા અઢી આના પણ ન મળ્યા… અને આ બાળકોનું રુદન ! મને એમ થાય છે કે આપણે પાંચે જણ સાથે કૂવે પડીએ !’

ભજનમાં ભાગ લઈ રહેલી મોટી છોકરીની આંખમાંથી ગરગર આંસુ વહી રહ્યાં અને આંસુ અટકાવવા તેણે આંખે હાથ મૂક્યો. બે નાનાં બાળકો ભૂખી આંખે પૈસા તરફ નિહાળી રહ્યાં હતાં.

બાળકોની માતાએ મોટી છોકરીને પાસે લઈ ખોળામાં સુવાડી તેની આંખ લૂછવા પ્રયત્ન કર્યો. ટોળું હવે સમૂળ વીખરાઈ ગયું હતું. સાર્વજનિક આનંદનો ઉપભોગ કરનારને આનંદની કિંમત આપવી ફાવતી નથી. આસપાસ થોડે દૂર જતી આવતી જનતાને ભજનિકના શબ્દો સાંભળવાના જરૂર પણ ન હતી.

‘કૂવે પડતાં પહેલાં હજી ઘણું ઘણું થાય એમ છે.’ દીકરીને ખોળામાં સુવાડી તેનાં અશ્રુ લૂછતી માતાએ કહ્યું. ઘણી વાર ભાંગી ગયેલા પુરુષને હિંમત આપનાર તેની પત્ની જ હોય છે.

‘જૂના કાળમાં તો વખાનાં માર્યાં માનવીનાં છોકરાંને પૈસાદારો વેચાતાંયે રાખતાં. આજ કોણ લે ? પત્નીની હિંમતથી પુરુષનું હૈયું સામર્થ્ય