પૃષ્ઠ:Snehashristi.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરેન્દ્રની ધૂનઃ ૧૬૫
 


પકડી શકતું ન હતું.’

‘શું તુંયે આમ પગ ભાંગીને બેસે છે ? ભગવાન છે… ભજન કરીએ છીએ… કોઈ હરિનો લાલ મળી આવશે… રસ્તો જડ્યા વગર તે રહે ખરો ?’ સ્ત્રીએ કહ્યું.

‘હવે તો એક રસ્તો જડે છે…’

‘તે હવે લેવા માંડ…’

‘હવે તો તને ગીરો વેચાણમાં મૂકું ત્યારે !… અને પછી ઝેર પી સૂઈ જાઉ.’ કપાળે હાથ મારી પુરુષ બોલી ઊઠ્યો, અને સ્ત્રીની આંખ ચમકી ઊઠી.

સુરેન્દ્ર ભજનિકોની સહેજ પાછળ ઊભો રહ્યો હતો તે એકાએક આગળ આવ્યો અને બોલી ઊઠ્યો :

‘હાં હાં, ભગત ! એમ હિંમત શું હારો છો ?’

ભજનિક સ્ત્રી, પુરુષ અને બાળકોએ સુરેન્દ્ર તરફ દૃષ્ટિ કરી. સહુ તેને આછું ઓળખતાં લાગ્યાં. તેમની આંખમાં સુરેન્દ્રને નિહાળી કાંઈ તેજ આવતું લાગ્યું.

‘શું કરું, ભાઈ ! બે દિવસથી ભૂખે ટળવળી થાકી ગયેલાં બાળકોને જે જુએ એને મરવાનું મન ન થાય તો કોને થાય ?… અને તે માબાપ હોય પાછાં !’ ભજનિક પુરુષે કહ્યું.

‘જુઓ ! આટલું પાસે રાખો. ઠીક ઠીક ચાલશે તમારે… અને એટલી કમાણી કરી લ્યો ત્યારે પાછું આપજો.’ કહી પોતાને મળેલા પગારની બધીય રકમ સુરેન્દ્ર ભગતના હાથમાં મૂકી દીધી.

ભગત અને તેની પત્નીની આંખ રકમ જોઈ ફાટી ગઈ. એક સામટા સો રૂપિયા તેમણે કદી દીઠા ન હતા. આપનાર યુવાન ડાહ્યો છે કે ઘેલો તેની ખાતરી કરવા તેમણે સુરેન્દ્ર સામે તાકીને જોયું. પછી સ્ત્રીથી બોલાઈ ગયું :

‘રકમ પાછી આપવા તમને ક્યાં શોધવા, ભાઈ ?’

‘મને શોધવાની જરૂર નથી. હું જ તમને શોધતો રહીશ.’ સુરેન્દ્રે કહ્યું.

‘અમે તે વળી શોધ્યાં જડીએ ? આજ અહીં. કાલ બીજે…’ સ્ત્રી બોલી.

‘હરકત નહિ; હું જાણું છું તમે ક્યાં રહો છો તે.’ સુરેન્દ્રે કહ્યું.

‘અમે તે વળી ક્યાં ઠામઠેકાણાંવાળાં છીએ ?’

‘કેમ ? જેને ઠામઠેકાણું ન હોય એને મસ્જિદ કે મંદિર આશરો આપે… હજી ભાંગ્યાંતૂટ્યાં એ સ્થાનો નિરાશ્રિતો માટે છે ખરાં… હું જાણું