પૃષ્ઠ:Snehashristi.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરેન્દ્રની ધૂનઃ ૧૬૭
 

પૂછ્યું.

‘હું શું કરીશ ?… હાં… કહું ?…’

‘કહે. જલદી કહે… મારે જવું છે.’

‘ખોટું તો નહિ લગાડે ને ?’

‘મને ખોટું લાગે તેની તને પરવા છે ખરી ને !… કહે, હવે શું કરીશ ? માને માટે કાંઈ રાખ્યું પણ નહિ.’

‘માને માટે… હું છું ને ? માને ભૂખે મરવા નહિ દઉં…’

‘અને તું ?’

‘હું ? એ જ તને કહેવા જતો હતો… હું વળી કોઈ સુંદરીને ભણાવીશ… એ સુંદરી મને પ્રેમ કરશે… અને પ્રેમ સિવાય પૈસો નહિ મળે તો હુંયે પ્રેમ કરવા માંડીશ…’ કહી સુરેન્દ્ર જરા હસ્યો.

‘કર્યો તેં પ્રેમ ! તને પ્રેમ કરતા આવડતો હોત તો તું ક્યારનોયે કારમાં ફરતો હોત…’

‘જ્યોત્સ્ના ! પ્રેમ કરું તોય તે માનવી સાથે… નિર્જીવ કારનો મને પ્રેમ હોય જ નહિ ને !’

‘બહુ સારું, મશ્કરી કરવા જેટલોય તું જાગૃત થઈ શક્યો એ માટે હું તને અભિનંદન આપું છું.’ જ્યોત્સ્ના બોલી.

‘જ્યોત્સ્ના ! મારાં અને તારા પાંચ ભાંડુ કૂવે પડવાની તૈયારી કરતાં હતાં… મારી અને કદાચ તારી નજર સામે !… એ જગતમાં મારી અને તારી ભૂખ જીવી શકે ખરી ? પ્રેમની વાત તો ભૂખ પછી જ થાય ને ?’ સુરેન્દ્રે કહ્યું.

જ્યોત્સના આ ઘેલા યુવકને નિહાળી રહી… ક્ષણભર, આખા માસનો પગાર વધારે જરૂરિયાતવાળા કુટુંબને આપી પોતે જ સાધનહીન બની જતા યુવાનને શું કહેવું અને એને શું કરવું એની જાણે એને સમજ ન પડી હોય તેમ અંતે જ્યોત્સ્નાએ કહ્યું :

‘એ પ્રશ્નના જવાબ માટે તું હજી તૈયાર થયો નથી. ભૂખ પહેલી કે પ્રેમ એ વિશે… તારો અધિકાર થશે એટલે હું તને બહુ સ્પષ્ટ જવાબ આપીશ… તને જ્યાં હોઈશ ત્યાંથી શોધી કાઢીને જવાબ આપીશ… આવવું છે સાથે ?’

‘ના.’ સુરેન્દ્રે કહ્યું.

‘વારુ, જા. હું પણ જાઉં. તને પૂરો ઓળખી લીધો; હવે બહુ નહિ મળીએ.’ કહી જ્યોત્સ્ના કાર તરફ ચાલી ગઈ.

કંટાળી ગયેલા મધુકરે કહ્યું : ‘કેટલી વાર કરી ?’