પૃષ્ઠ:Snehashristi.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાથમાં ઊતરતું ફળ:૧૭૧
 

‘શું કહું તને જ્યોત્સ્ના ! એ છટેલ છોકરીની વાત ? કોઈ માને નહિ એવી સ્થિતિમાં એણે મને મૂકી દીધો છે !’

‘કહે તો ખરો, હું જરૂર માનીશ… સાચું કહીશ તો.’

‘તો હું તને તો જરૂર કહી દઉં… શ્રીલતા વિરુદ્ધ કહેવું ગમતું નથી છતાં… હું ટેનિસ રમતો હતો… તું જાણે છે હું ટુર્નામેન્ટમાં ઊતરું છું તે…’

‘હા. અને તું કેટલાય “કપ” જીતી લાવ્યો છું.’

‘એક વાર રમતાં રમતાં હું અને મારો હરીફ સરખા ઊતર્યા. મને લાગ્યું કે મારી વીંટી વચમાં આવતી હતી. શ્રીલતા જોવા ઊભી હતી… પાસે જ હતી… અને મેં એ વીંટી એને સાચવવા આપી. પછી તો પૂછવું જ શું ? કૉલેજનાં છોકરા-છોકરીઓ !… હું જીત્યો અને ધાંધળમાં વીંટી પાછી માગી ન શક્યો. બીજે દિવસે માગી એટલે શ્રીલતાએ આપી જ નહિ. મને લાગ્યું કે એ મશ્કરી કરે છે… પરંતુ એ તો ત્યારની જે ગળે પડી તે… હું શું કહું તને, જ્યોત્સ્ના ? શ્રીલતાથી મને… કોઈ પણ બચાવે તો તે તું જ !’

‘હું એટલે જ કહેતી હતી કે… લગ્ન પહેલાં જેમ છૂટવાની તક મળે, તેમ લગ્ન પછીય મળે તો હરકત શી ?’

‘લગ્નને તો પવિત્ર ગણવું જોઈએ.’

‘પવિત્ર રહે ત્યાં સુધી પવિત્રતાનો એ પ્રયોગ કરી જોવા જેવો ખરો. લગ્નને જીવનના એક મહાપ્રયોગ તરીકે ગણીએ તો શો વાંધો ? પ્રયોગ સફળ ન થાય તો એમાં ફેરફાર પણ કરી શકાય.’

‘તારો એવો મત હોય તો… મને શા માટે વાંધો આવવો જોઈએ ? જોકે લગ્નબંધન હળવા મતભેદથી તૂટવાં ન જ જોઈએ.’

‘અરે મધુકર ! લગ્નને ક્યાં સુધી બંધન બનાવ્યું રાખવું છે ?… પુરુષોનો ભારે જુલમ છે, ભાઈ !’

‘મારા લગ્નમાં તું જોઈ શકીશ કે બંધનનું કોઈ નામ કે નિશાન હશે જ નહિ.’ મધુકરે સહજ ભાવ લાવી કહ્યું.

‘માટે તો હું તારા લગ્નની રાહ જોઉં છું.’

‘મારા લગ્નની ? તારા લગ્નની કેમ નહિ ?’

‘એની રાહ તારે જોવાની !’

‘જ્યોત્સ્ના !’ કહી મધુકરે જ્યોત્સ્નાને ગળે હાથ નાખવા પ્રયત્ન કર્યો. જયોત્સ્નાએ કૌશલ્યથી હાથ ખસેડી નાખી કહ્યું :

‘તારું ઘર પાસે આવે છે, મધુકર !… અને કારના વ્હીલ ઉપર જેનો હાથ હોય તેની સાથે કદી પ્રેમ ન કરવો… એનાથી પ્રેમનો જવાબ ન