સુરેન્દ્ર સહજ હસ્યો, આ ધનિક ઘરની એકની એક દીકરી પોતાની સહજ દયા ખાતી હોય એમ સુરેન્દ્રને લાગ્યું. તે જાતે આખા વિશ્વ ઉપર દયા કરવા માટે તૈયાર હતો. પરંતુ તેને પોતાને કોઈનીયે દયા ખપતી ન હતી. અને એ દયાનો ઈશારો પણ થતાં એનું પૌરુષ ઘવાતું લાગતું. તેનું પોતાનું ઘર તો હવે છેટે રહી જ ગયું હતું. કાર એટલી આગળ આવી હતી કે હવે જ્યોત્સ્નાને બંગલે પહોંચ્યે જ છૂટકો હતો. બંગલો પણ આવી પહોંચ્યો. રાત્રિ પણ પડી ચૂકી. રાત્રિને દિવસમાં ફેરવી નાખવાના માનવપ્રયત્નો વિદ્યુતદીપક રૂપે ઝબકી રહ્યા હતા.
કારમાંથી બંને યુવક-યુવતી ઊતર્યા ત્યારે જ્યોત્સ્નાનાં માતાપિતા અત્યંત સુશોભિત દીવાનખાનામાં ધનિકતાને શોભે એવો સમય વ્યય કરી રહ્યાં હતાં. સરસ સોફા, સરસ ખુરશીઓ, સરસ મેજ, સરસ ગૃહશૃંગાર, સરસ પ્રકાશ : એમ બધું દીવાનખાનામાં જ નહિ, પરંતુ આખા બંગલામાં સરસ લાગતું ગોઠવાઈ ચૂક્યું હતું. એ સરસ બંગલાના સરસ દીવાનખાનામાં ધનવાનોને શોભે એવાં વસ્ત્રો પહેરી રાવબહાદુર ગિરિજાપ્રસાદ અને તેમનાં પત્ની યશોદા બેઠાં હતાં અને એક સભ્ય દેખાતા ગૃહસ્થની સાથે વાતચીત કરી રહ્યાં હતાં.
નવા યુગમાં સ્ત્રીએ પણ પુરુષની સાથે જ આગંતુકોને માન આપવા હાજર રહેવું પડે છે. જે જુનવાણી ગુજરાતમાં સ્ત્રીઓની અવરજવર માટે મર્યાદિત સીમાઓ હતી, એ ગુજરાત હવે શહેરમાંથી અને શહેરની ધનિકતામાંથી અદૃશ્ય થઈ ગયું છે. સ્ત્રીઓના અલગ નિવાસખંડો હજી રહ્યા છે. પરંતુ આજના રામથી સીતાની અવરજવર ઉપર સીમાબંદી દોરી શકાતી નથી... અને દોરી હોય તોય સીતાએ ક્યાં એ સીમા માની હતી ? રાવણોના ભયથી વર્તમાન સીતાઓ ભય પામતી નથી, એટલે રાવબહાદુરને મળવા આવનારે રાવબહાદુરનાં પત્નીને પણ સાથે જ મળવાનું હોય એ સ્વાભાવિક છે.
લાંબી વાતચીતનો અંત આવતો હતો એમ લાગ્યું. ગૃહસ્થે જરા હલનચલન કરતાં કહ્યું :
‘તો રાવબહાદુર ! હું હવે રજા લઉં.’
‘એમ ? જશો ત્યારે ?’
‘પણ... પ્રમુખસ્થાન આપે જ લેવાનું છે એ હવે નક્કી.’ ગૃહસ્થે કહ્યું.
‘વારુ. આપનો આગ્રહ છે એટલે બીજું શું કહું ?’ રાવબહાદુરે કહ્યું. નૂતન જીવનઘટનામાં પ્રમુખસ્થાનની પોકળતા વધારે અને વધારે મહત્ત્વ ધારણ કરતી જાય છે. સહુથી પ્રથમ સત્તાધીશ; એ ન મળે તો ધનિક; તે