પૃષ્ઠ:Snehashristi.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨:સ્નેહસૃષ્ટિ
 

અપાય… અને જવાબ આપવા જાય તો અકસ્માત કરી બેસે.’

એકાએક જ્યોત્સ્નાએ ગાડી ઊભી રાખી. અંધારું થઈ ગયું હતું; મધુકરનું મકાન પણ આવી રહ્યું હતું. મધુકરની ઈચ્છા ન હતી કે તે પોતાના નાનકડા ભરચક વસ્તીમાં આવેલા લજામણા ઘર આગળ જ્યોત્સ્નાને લઈ જાય… જે જ્યોત્સ્નાનો પ્રેમ અડધ ઉપરાંત મધુકરે જીત્યો હતો ! વિજયના માર્ગમાં નાનું સરખું સ્ખલન પણ પરાજય સર્જાવે છે ! પ્રેમી યોગ્ય હોય, પરંતુ પ્રેમનું મકાન ગરીબીસૂચક હોય અથવા પ્રેમીના માતાપિતા પ્રેમીનું માન વધારે એવાં દબદબા ભર્યાં ન હોય, તો પ્રેમની ભરતી ઓટમાં ફેરવાઈ જાય છે ! મધુકર ગાડી નીચે ઊતરી જ્યોત્સ્નાની બાજુએ આવી ઊભો.

‘તારું ઘર અહીં છે છતાં આવવાનો આગ્રહ તો તું કરતો જ નથી !’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘તને બોલાવીશ એ ઘર જુદું જ હશે.’ મધુકરે કહ્યું.

‘શા માટે ? મને ગમે તો ગમે તેવું ઘર ગમે… ન ગમે તો હું મહેલને પણ સળગાવી દઉં.’

‘તો તારો આભાર માનું. મારા ઘરમાં તારાં પગલાં સહુ કોઈ વધાવી લેશે.’

‘સહુ કોઈ કોણ ?’

‘મારાં માતાપિતા.’

‘એમને મારું આમંત્રણ છે… કાલ ત્રીજે પ્રહર ચા ઉપર.’

‘નહિ નહિ; એમને ન ફાવે.’

‘શા માટે ન ફાવે ?’

‘રાવબહાદુર કે યશોદાબહેન કહે તો… વધારે સારું ને ?’

‘મેં કહ્યું એ માતાપિતાએ જ કહ્યું માની લેજે. જોજે… ભૂલતો નહિ… એમને નહિ લાવે તો… જોઈ લેજે. ગુડ નાઇટ !’ જ્યોત્સ્નાએ કહ્યું અને ગાડીનું એન્જિન ધબક્યું.

‘ગુડનાઈટ !’ મધુકરે પણ સામો જવાબ આપ્યો.

‘શેક હૅન્ડ્ઝ !’ કહી જ્યોત્સ્નાએ પોતાનો હાથ બારીમાં ધર્યો. અને મધુકરે પોતાનો હાથ લંબાવી જ્યોત્સ્નાનો હાથ અત્યંત ભાવપૂર્વક પકડી દબાવ્યો. ગાડી ઊપડી અને જ્યોત્સ્નાનો છૂટેલો હાથ કારના વ્હીલ ઉપર પાછો આવી બેસી ગયો અને તરત ગાડીએ વેગ ધારણ કર્યો.

જ્યોત્સ્નાએ કદી કોઈ યુવકને આમ હાથ આપ્યો ન હતો ! કોઈ દિવસ આછી સરખી પણ છૂટ ન લેતી યુવતી આમ માગીને મધુકરનો હાથ