પૃષ્ઠ:Snehashristi.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪:સ્નેહસૃષ્ટિ
 

હજી મધુકરની બાબતમાં માતા જેટલા પિતા શ્રદ્ધાળુ બન્યા લાગતા નહિ.

‘ના, જી. એમની દીકરી જાતે અહીં આવી કહી ગઈ.’ મધુકરે કહ્યું.

‘અમને કેમ ન મળી ?’ પિતાએ પૂછ્યું.

‘જરા શરમાઈ.’ મધુકરે કહ્યું.

‘એને શરમાવાનું કંઈ કારણ ?’

‘એ કાલે સમજાશે.’ કહી મધુકર પોતાના સુસજ્જ ખંડ ભણી ચાલ્યો ગયો. અને મધુકરનાં માતા તથા પિતાની માનસિક રંગીન ૨ચનાઓએ આકાર લેવા માંડ્યો. માતાઓ તો પુત્રપુત્રીના દોષ સૃષ્ટિમાં અનેક ભાગ્યે જ જોઈ શકે છે; એટલે મધુકરની માતાએ તો પોતાના પુત્રની મહત્તાનો બાંધેલો આંક બહુ ઊંચે ચઢાવી દીધો એ સહજ ગણાય; પરંતુ ખર્ચાળ, મોજી, ચબરાક અને વાચાળ પુત્રની અસ્થિરતા માટે સતત અધીર રહેતા પિતાને પણ લાગ્યું કે પુત્રની પ્રથમ આંકણીમાં તેમની કાંઈ ભૂલ થતી હતી ! રાવબહાદુરને ત્યાં મંત્રીપદ સ્વીકાર્યા પછી મધુકરમાં આવેલી સ્થિરતા, તેને રાવબહાદુરની પુત્રીનો પતિ ને મિલકતનો માલિક બનાવી દે એવો સંભવ - ઝાંઝવા સરખો પણ - પિતાની આંખ આગળ રમવા લાગ્યો ખરો ! કલ્પનાને અનેક રમતો આવડે છે.

જ્યોત્સ્ના એકલી પડી ઘેર ચાલી આવી. આર્યધર્મનું અભિમાન ધારણ કરનાર ધનિકને પણ પોતાની પુત્રી સંગીત, નૃત્ય, નાટ્ય અને બીજી કલાઓમાં પ્રવીણતા મેળવે એમાં આર્યધર્મનું અહિત દેખાતું નથી; બીજાની પુત્રી હોય તો તેમાં ચોખ્ખો ધર્મભંગ દેખાય જ ! પરંતુ પોતાની પુત્રીનો વિચાર કરતાં તેમને ગાર્ગી, સાવિત્રી, સુકન્યા, સીતા, દ્રૌપદી જેવી આર્યત્વભૂષણ સતીઓનો ખ્યાલ આવે છે, અને અંગ્રેજી અસરમાંથી ઊપજેલી સ્વતંત્રતાને આર્યતા સાથે ભેળવી દઈ પુત્રીઓ તરફ સન્માનની દૃષ્ટિ તેઓ ખીલવે છે. મોટરકાર ચલાવવાની જયોત્સ્નાએ પહેલવહેલી ઈચ્છા પ્રદર્શિત કરી ત્યારે યશોદાબહેને એ ઈચ્છાનું નાવિન્ય જરા અસ્થિર બનાવતું લાગ્યું ખરું, પરંતુ પછીથી કાર ચલાવતાં શીખી ગયેલી જ્યોત્સ્નાની ઝડપ વિષે કોઈ ઓળખીતાં બાઈએ જરા ચેતવણી આપી ટીકા કરી કે :

‘યશોદાબહેન ! આ તમારી જ્યોત્સ્ના ભલે કાર ચલાવે… નવો જમાનો છે… વળી એ નવું ભણતર પણ ભણી છે… છતાં જરા ધીમે ચલાવવાનું કહેશો તો સલામતી વધારે સચવાશે…’ ત્યારે યશોદાબહેને જવાબ પણ આપ્યો કે :