લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬:સ્નેહસૃષ્ટિ
 


‘કેવું ઘર છે એનું ?’ માએ પૂછ્યું.

‘ઘર તો… જેવું હોય તેવું ખરું… બધાંને ઓછા મહેલ-બંગલા રહેવા માટે હોય છે ?… હું ઘરમાં ગઈ ન હતી.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘સારો છોકરો છે, નહિ ?’ માએ પુત્રીના મનનું રહસ્ય શોધવા પ્રશ્રજાળ નાખી.

‘કયો છોકરો, મા ?’

‘કેમ ? મધુકર વળી ! બીજો કોણ ?’

‘હા, સારો છે. કેમ ?’

‘તને ગમ્યો ખરો ?’ પિતા કરતાં માતા સંતાનોના મનને પરખવાની કળા વધારે સારી રીતે સમજે છે.

‘હા, મા ! તને ગમે એ મને ગમે જ.’

‘એમ ? તું સાચું કહે છે ? આગળ હું પગલું લઉ ?’

‘શું તુંયે મા ?… આવું આવું બોલે છે !… હું કપડાં બદલી આવું… જમવાનું મોડું થશે.’ કહી જ્યોત્સ્ના પોતાના ખંડમાં ચાલી ગઈ.

પાસેના ઑફિસખંડમાં વર્તમાનપત્ર વાંચતા રાવબહાદુરનું મુખ પ્રસન્ન થયું. તેમને યશોદાબહેનની કુશળતા માટે હતું એથી વધારે માન ઉત્પન્ન થયું. યૌવનમાં નિભાવી લીધેલી પત્નીઓ પ્રૌઢપણમાં અત્યંત માનપાત્ર બની રહે છે.

જ્યોત્સ્ના પોતાના ખંડમાં જઈ કપડાં બદલ્યા વગર જ પોતાના પલંગ પર સૂતી અને તેની આંખ આગળ ભજનમંડળીના ભિખારીઓ તરવરી રહ્યા !

પ્રભુનું ભજન કરનાર પણ ભિખારી !