પૃષ્ઠ:Snehashristi.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
 
આંખના અંગાર
 

પલંગ ઉપર લાંબી થઈ સૂતેલી જ્યોત્સ્નાની આંખ આગળ ક્રમે ક્રમે ભજનિક, ભજનિકની સ્ત્રી અને તેમનાં બાળકો રમવા લાગ્યાં પરંતુ એ કરુણ દૃશ્યની પાછળ સુરેન્દ્ર પણ ઝાંખો ઝાંખો દેખાતો હતો જ ને ? આખા માસનો પોતાનો પગાર સુરેન્દ્રે આ ભજનિકોને આપી દીધો ! એમાં ડહાપણ ખરું ? આખો માસ સુરેન્દ્રનો ખર્ચ હવે શેમાંથી ચાલશે ? ઓછું વધતું કરીને સુરેન્દ્ર પોતે કદાચ પોતાનું એક માસ પૂરતું ગુજરાન વગર પૈસે ચલાવે. પરંતુ સુરેન્દ્ર એકલો ન હતો; એની માતાનું પોષણ પણ સુરેન્દ્રની જવાબદારી ગણી શકાય. એ જવાબદારી સુરેન્દ્ર શી રીતે અદા કરી શકશે ? પોતાની કમાણી વગર વિચાર્યે ગમે તેને આપી દેવાથી ન ગરીબોનો ઉદ્ધાર થાય, ન પોતાનો ઉદ્ધાર થાય !

અને તેને મધુકરનું વાક્ય યાદ આવ્યું : ‘સારું થયું સુરેન્દ્રની અસરમાંથી તું વેળાસર છૂટી.’

‘નહિ તો ?’

‘નહિ તો તને જ ભિખારીઓના ટોળામાં એ બેસતી કરત.’

શું મધુકર સાચો હતો ? સુરેન્દ્ર એટલા જ કારણે જ્યોત્સ્નાથી ભાગતો ફરતો હતો શું ? અને જ્યોત્સ્ના પોતે મધુકરની ધારણા પ્રમાણે સુરેન્દ્રની અસરમાંથી ખરેખર મુક્ત થઈ હતી ખરી ? શા માટે સુરેન્દ્ર હજી પણ તેને યાદ આવ્યા કરતો હતો ? સ્ત્રી પ્રેમની ના પાડે તો ઘટિત છે કે પુરુષે તેની પાસેથી ખસી જવું. એ જ નિયમ સ્ત્રીએ પોતાને માટે લાગુ કેમ ન પાડવો ? સુરેન્દ્ર પ્રત્યે જ્યોત્સ્નાને સદ્‌ભાવ હતો, એટલું જ નહિ, એને પ્રેમ હતો. સુરેન્દ્ર પાસે એણે પોતાના પ્રેમને બહુ સ્પષ્ટ રીતે વ્યક્ત પણ કર્યો હતો. એ સ્પષ્ટતા સુરેન્દ્ર ન સમજી શકે તો એને બેવકૂફ-બબૂચક તરીકે ગણવો જોઈએ. પરંતુ સુરેન્દ્રને બેવકૂફ કે બબૂચક ગણી શકાય એમ હતું જ નહિ. એ જાણી જોઈને જ્યોત્સ્નાથી દૂર ખસતો હતો. ગરીબી સ્વેચ્છાપૂર્વક હાથે કરીને સ્વીકારનાર યુવકથી ધનિક યુવતીનો પ્રેમ સ્વીકારી નીચી આર્થિક સપાટી ઉપર તેને ઉતારી ન શકાય એવી કોઈ