પૃષ્ઠ:Snehashristi.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮:સ્નેહસૃષ્ટિ
 


ભાવના સુરેન્દ્રના હૃદયમાં જાગ્રત થઈ હતી. એ જ સુરેન્દ્રની ઉપેક્ષાનું કારણ કહી શકાય. પરંતુ એ ઉપેક્ષા કહી શકાય ? એને ઉપેક્ષા કરવી હોત તો એ જ્યોત્સ્નાને પોતાનું વૃન્દાવન બતાવત જ નહિ. પોતાના આદર્શને ખાતર સુરેન્દ્ર સંપત્તિ ત્યજતો હતો. એટલું જ નહિ પરંતુ સંપત્તિમાન યુવતીને પણ ત્યજતો હતો ! સુરેન્દ્ર બીજી કોઈ યુવતીને ચાહતો હોત તો જ્યોત્સ્ના એક ક્ષણમાં તેનાથી છૂટી પડી ગઈ હોત. જ્યોત્સ્નાને એ ચાહતો ન હતો એમ એણે કદી કહ્યું ન હતું. એ સંજોગોમાં સુરેન્દ્રને ચાહતી જ્યોત્સ્નાનો ધર્મ શો ? સુરેન્દ્ર એને ભલે ન સ્વીકારે; ચાહવું અને સ્વીકારવું એ બંને ભિન્ન ભાવ હોઈ શકે. પરંતુ એથી જ્યોત્સ્નાએ સુરેન્દ્રને વહેતો મૂકવો એ એનો ધર્મ બની શકે ખરો ?… અને… અને જ્યોત્સ્ના પોતાની સંપત્તિ જતી કરે તો સુરેન્દ્ર જ્યોત્સ્નાને સ્વીકારની અધિકારી ગણે કે કેમ ?

એકાએક જ્યોત્સ્ના પલંગમાં બેઠી થઈ ગઈ. જ્યોત્સ્ના મિલકતનો ત્યાગ કરે તો સુરેન્દ્ર એનો સ્વીકાર કરે ! મિલકતનો ત્યાગ કરવામાં મુશ્કેલી ન જ હોય પ્રેમીઓને. પરંતુ પ્રેમ એ શું આવી પરાધીનતા હોઈ શકે ? પુરુષ મના કરે છતાં સ્ત્રીએ પુરુષ તરફ ખેંચાતા જવું જ જવું ? એવી સ્થિતિ ઊભી કરનાર સ્ત્રી પોતાના સ્ત્રીત્વને હીણું બનાવી રહેતી નથી શું ?… અને બિચારો મધુકર ! જ્યોત્સ્ના કહે તો એ જ્યોત્સ્નાનાં ચરણ ધોઈ પીવા પણ તૈયાર થાય !… જ્યોત્સ્નાને હસવું કેમ આવ્યું ? પત્નીના પગ ધોઈ પીનાર પતિની કલ્પના અને હસાવી રહી હતી શું ?

નૂતન યુગનાં આ મંથન જૂના યુગમાં ન હતાં… નહિ જ હોય ! માતાપિતા નક્કી કરે એ છોકરા-છોકરી પતિપત્ની બની સંસાર માંડે. તો કિશોરાવસ્થાથી યૌવન સુધીનાં, દેહ અને મનને દમી નાખતાં. આજનાં મંથનથી બચી ન જાય શું ?

નોકરે આવી જ્યોત્સ્નાને ખબર આપી કે એનાં માતાપિતા જમવા માટે એની રાહ જોઈને બેસી રહ્યાં હતાં. ઝડપથી કપડાં બદલી જ્યોત્સ્ના ભોજન સ્થળે આવી. અત્યંત શાંત રહેલી જ્યોત્સ્નાને માતાએ પૂછ્યું :

‘કેમ આટલી બધી શાંત બેઠી છો આજે ?’

‘કાંઈ નહિ, મા !’

‘તોપણ ? મનમાં હોય તે કહી નાખ.’

‘એક ભૂલ થઈ ગઈ.’

‘ભૂલ ? શાની ?’ માતાએ પૂછ્યું અને પિતાએ ધ્યાનથી પુત્રી તરફ જોયું. પુત્રી અસ્વસ્થ તો આછી આછી હતી જ. અને યૌવનજાગ્યો પ્રેમ