પૃષ્ઠ:Snehashristi.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંખના અંગારઃ ૧૭૯
 

 આવી અસ્વસ્થતા ઉપજાવે એ સ્વાભાવિક ગણાય. અને માતાપિતાએ માની પણ લીધું હતું કે જ્યોત્સ્ના મધુકર સાથે પ્રેમમાં જ છે !

‘એક આમંત્રણ આપી આવી છું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘કોને ?’

‘મધુકરનાં માતાપિતાને… ચા પીવાનું.’

‘એમાં તને ભૂલ શી લાગી ? ઓ હો ! મારા મનમાં કે તું કૉલેજની બધી છોકરીઓને બોલાવી લાવવાની હોઈશ.’ માએ કહ્યું.

‘ભલે. એ તો સારું કર્યું… એમાં મોટી વાત શી ? કાલે કાર લઈને તું જ બોલાવી લાવજે ને ?’ પિતાએ કહ્યું.

‘હું તો નહિ જાઉ.’ જ્યોત્સ્ના બોલી.

દીકરીની લજ્જાએ માતાને પ્રસન્નતા અર્પી. માતા પણ જરા મોજમાં આવી ગયાં. તેમણે કહ્યું :

‘ખરી તું છોકરી ! બધી જ વ્યવસ્થા કરવી છે અને પાછું શરમાવું છે !’

‘પણ તું તો કોઈને મળી જ નથી ને ?’ પિતાએ પૂછ્યું.

‘એટલે ?’

‘તું આવી ત્યારે તેં જ કહ્યું હતું કે તું તેમના ઘરમાં ગઈ જ ન હતી.’

‘મેં કહાવ્યું… મધુકર જોડે.’ જ્યોત્સ્નાએ કહ્યું અને માતાને લાગ્યું કે મધુકરના નામનો ઉચ્ચાર કરતાં જ્યોત્સ્નાના કંઠમાં સહજ થડકાર હતો.

‘ભલે. કાલે તને જેમ ગમે તેમ કરજે.’ માતાએ કહ્યું.

રેડિયો ઉપરના સમાચાર, ગીત તથા રૂપકો સાંભળ્યા વગર આજની ધનિકતાને નિદ્રા આવતી જ નથી. માતાપિતાને રેડિયોની શ્રવણસૃષ્ટિમાં મૂકી જ્યોત્સ્ના પોતાના ખંડમાં ચાલી ગઈ. લાંબા સમય સુધી રાત્રીદીવો એના ખંડમાં બળતો જ રહ્યો. એ રાત્રે એણે ઘણું વાંચન કર્યું. અને પ્રભાત વીતી ગયે એ ઊઠી ત્યારે દિવસ ઘણો વધી ગયો હતો. માતાપિતાની પાસે જઈ ચા પીવાની એણે શરૂઆત કરી અને એટલામાં જ મધુકર આવ્યો. જ્યોત્સ્નાનું મસ્તક ખુલ્લું હતું. આજની નાગરિકતા ગુર્જર સ્ત્રીની કેશાવલીના વિવિધ પ્રકારોને પ્રદર્શિત રાખવામાં નૂતન સૌદર્ય અનુભવે છે. લાજ એટલે સ્ત્રીમુખ ઢાંકવાની લાજની પદ્ધતિ - નગરોમાં તો લગભગ અલોપ થઈ ગઈ છે, અને કિશોરીઓ તથા યુવતીઓ માતાઓ તેમ જ સાસુનણંદો અને જેઠાણીઓ આ સુધારાની સામે નિઃસહાય બની રહ્યાં છે. એટલે જ્યોત્સ્નાનું મસ્તક ખુલ્લું હોય એ સહજ હતું.

પરંતુ મધુકર દૃષ્ટિએ પડતાં બરોબર જ્યોત્સ્નાએ અત્યંત સૌંદર્યભર્યા