પૃષ્ઠ:Snehashristi.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમજની શરૂઆત:૧૧
 

પણ ન મળે તો કોઈ વાચાળ વિદ્વાન. આમ ગમે તેનાથી શોભાવી શકાતું પ્રમુખસ્થાન રાજમુગટ સરખું તદ્દન નિરુપયોગી છતાં ઇચ્છનીય સ્થાન બની જતું લાગે છે !… અને તે પણ સામાના આગ્રહને લઈને જ સ્વીકારાતું સ્થાન મનાય છે ! જે આગ્રહની પાછળ તલપૂર પણ હૃદય હોતું નથી…

‘હવે ચાલે જ નહિ, રાવબહાદુર અને યશોદાબહેન ! આપે પ્રમુખસ્થાન માટે જેમ હા પડાવી તેમ આપે પોતે જ રાવબહાદુરને સાથે લઈ આવવાનું છે… બરાબર પાંચપિસ્તાળીસે… હું સભાગૃહ પર ઊભો જ હોઈશ.’ ગૃહસ્થે આગ્રહ ઉપર બની શકે એટલો ભાર મૂક્યો. અને નમસ્કાર કરી તેમણે વિદાય લીધી.

ધનિકપત્ની ધનિકપતિના જીવનમાં કેટકેટલો મહત્ત્વનો ભાગ ભજવતી હશે તેનું શાસ્ત્રીય માપ નીકળી શકે એમ નથી. સત્તાધીશો અને ધનિકોની પત્નીઓ અંગત રીતે તો પોતાનું ભારે મહત્ત્વ માનીને જ ચાલે છે એમાં શક નહિ. તે પતિનો શણગાર અને પડછાયો બની રહે છે એટલું તો કોઈ પણ સમજી શકે એમ છે. પતિનાં સુખદુઃખમાં મોટે ભાગે ધનિકોને દુઃખ હોતું જ નથી - ભાગ લેતાં યશોદાગૌરીએ ગૃહસ્થના ગયા પછી જાણે કશું ભારણ માથેથી ખસ્યું હોય એમ ઉદ્‌ગાર કાઢ્યો :

‘કેટલાં માણસો ! કોઈ ભાષણ માગે છે, કોઈ છબી માગે છે. કોઈ પ્રમુખસ્થાનનો આગ્રહ કરી જાય છે ! કેટલું ભારણ ? ક્યાં પાર આવે ?’

આ બધાં મહાકષ્ટોમાં બીજાં મહાકષ્ટો રખે રહી જાય એમ વિચારી રાવબહાદુરે કહ્યું :

‘એટલેથી પાર આવતો હોય તો સારું ! ફંડ ફાળા, દાન, શિષ્યવૃત્તિની ધોધમાર માગણીને પણ પાછું પહોંચી વળવાનું ને ?’

ધનિકોના કષ્ટની ગરીબોને ક્યાંથી સમજણ પડે ?

‘એક સારો ભણેલોગણેલો સેક્રેટરી રાખી લ્યો ને ?… તમારો વ્યવસાય હવે બહુ વધી પડ્યો છે…’ યશોદાબહેને સૂચન કર્યું.

‘હું પણ એમ જ ધારું છું… કહી મૂક્યું છે… જ્યોત્સ્ના પણ કાંઈ કહેતી હતી કે એકબે સારા ભણેલા ગ્રેજ્યુએટોને તે વાત કરશે… હવે તો જ્યોત્સ્ના પણ ભણી રહેવા આવી ! આગળ શું ભણાવવું ?’

‘એને તે જિંદગીભર ભણાવ્યા જ કરવી છે ? કે પછી એને કાંઈ પરણાવવી પણ છે ?… હજી આવી નહિ… કોણ જાણે ક્યાં ફર્યા કરે છે ?‘ માતાએ ઊંચો જીવ કર્યો. પુત્ર કરતાં પુત્રીના લગ્ન એ માતાપિતાની અધિક ચિંતાનો વિષય હોય છે. લગ્ન એટલે જીવનનો મોટામાં મોટો જુગાર ! અને