પૃષ્ઠ:Snehashristi.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્ન અને માનવખરીદી:૧૮૭
 

‘પરંતુ... પુરુષ વગર ચલાવવાની સ્ત્રીઓએ ટેવ પાડી હોય તો ?'

'એટલે તું એમ માને છે કે પ્રેમ અગર લગ્ન એ ટેવનું જ પરિણામ છે, નહિ ?'

'લગભગ... વંશપરંપરાની ટેવ... માણસ જાતની એક કુટેવ અને એમાં ધર્મ ભેળવ્યો એટલે દેખાદેખી એ ટેવ સારી મનાઈ.'

'મધુકર સાથે તારાં લગ્ન ન થાય તો તું એ ટેવ બદલી નાખજે.' જ્યોત્સ્નાએ કહ્યું અને બંને જણ હસ્યાં. હસતે હસતે શ્રીલતાએ જવાબ પણ આપ્યો. 'લગ્ન થશે તોય હું એ ટેવ બદલી નાખવાની છું. પુરુષ વગર ન જ ચાલે એ શું?'

એકાએક રાવબહાદુર જરા મોટેથી બોલતા દૂરથી સંભળાય. અને સખીઓનું હાસ્ય સમાઈ ગયું.

‘એ તે માણસો છે કે જાનવર ?' રાવબહાદુરનો કંઠ સંભળાયો.

જ્યોત્સ્નાએ પિતાને આટલું મોટેથી બોલતાં કદી સાંભળ્યા ન હતા. કોની વાત તેઓ કરતા હશે ? મધુકર અને એનાં માતાપિતા કારમાં ગયાં એ તરફ જ્યોત્સ્નાનું લક્ષ્ય ગયું જ હતું. એમના જતા બરાબર પિતાજી કોને અનુલક્ષીને વાત કરી રહ્યા હતા ?

જ્યોત્સ્ના અને શ્રીલતા ખંડમાંથી બહાર આવ્યાં. યશોદાબહેનને તેમણે બોલતાં અને રાવબહાદુરને સમજાવતા સાંભળ્યા :

'હોય માણસો એવાં ! કદી જોયું ન હોય એટલે ન બોલવાનું બોલાઈ જાય. આપણે તે છોકરાનું કામ છે કે માબાપનું?'

'કન્યા આપો. ભરેલું ઘર આપો. કાર આપો, છોકરાને વિલાયત મોકલો...ત્યાં સુધી તો મને કાંઈ લાગ્યું નહિ... પણ સાસુ-સસરાને અને એમનાં સગાંવહાલાંને જાત્રાએ જવાનો ખર્ચ આપો કહ્યું અને મારાથી રહેવાયું નહિ.' રાવબહાદુર બોલતા હતા.

'જુઓ ને ! દીકરીનું ભવિષ્ય વિચારવું હોય તો આપણે હાથવેંત નમવું પણ જોઈએ.' યશોદાબહેને કહ્યું. અને બંને પતિ-પત્ની અદૃશ્ય થયાં.

તેમણે જ્યોત્સ્ના અને શ્રીલતાને જોયાં ન હતાં. કદી ગુસ્સે ન થતાં માતા-પિતાને ગુસ્સાભરેલી ઢબે વાતચીત કરતાં સાંભળી બંને સખીઓ ખંડની બહાર તો આવી, પરંતુ માતા-પિતાની પાસે રજૂ થવા માટે જ્યોત્સ્ના અત્યારે ઉત્સુક ન હતી. વાત સાંભળી લેવા એ બન્ને એક થાંભલા પાછળ સહજ છુપાઈ પણ ખરી. બન્ને વડીલો અદૃશ્ય થયા પછી બન્ને સખીઓ સહજ હસી.