પૃષ્ઠ:Snehashristi.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦:સ્નેહસૃષ્ટિ
 

'એ પણ સારું કર્યું. તું હવે એને કેવો સાચવી રાખે છે એ હું જોઉં છું... તારા કરતાં વધારે સંપત્તિવાળી છોકરીની શોધમાં જ હું છું.

'તું શોધમાં છે ?'

'શા માટે ?'

'તારી પાસેથી મધુકરને ખસેડવાનો ખેલ કરવા માટે... પણ જ્યોત્સ્ના ! તેં બિચારા સુરેન્દ્રને ઘરમાં આવતો જ બંધ કર્યો !'

'તો શું થાય? પુરુષોની એક ભૂલ સુધારવાની જરૂર છે.'

'કઈ?'

‘કે સ્ત્રીઓ જ તેમની પાછળ દોડતી રહે છે એવી તેમની માન્યતા ! એ ભૂલ છે.'

'ભૂલ તો ભૂલ ! સ્ત્રીઓ નહિ દોડે તો પુરુષ દોડતા ફરશે... એ ચકભિલ્લુ ચાલ્યા જ કરવાનું... છતાં સુરેન્દ્ર સરખો પોતાની જાતની આસપાસ કોટ બાંધી દેતો કોઈ ભાગ્યે જ હોય...'

જ્યોત્સ્નાએ કાંઈ જવાબ આપ્યો નહિ. સીધી નજરે તેણે ગાડી ચલાવ્યે જ રાખી. સુરેન્દ્રને શોધવા જવાનું એણે બંધ કર્યું હતું. એમાં એણે શું ગુમાવ્યું હતું?

એકાએક જ્યોત્સ્નાને અણગમો આવી ગયો. સુરેન્દ્ર ક્યાં હશે ? શું કરતો હશે? વગર પૈસે એનું કેમ ચાલતું હશે? એને ઘેર તપાસ ન થાય? એને પ્રેમનું બંધન ભલે ન ફાવતું હોય; એને સહાય પણ ન આપી શકાય એવી સ્થિતિ ઉપજાવવામાં એની પણ ભૂલ થતી હોય તો? મિત્ર તરીકે ભૂલ સુધારવાની જ્યોત્સ્નાની ફરજ નહિ ?

જ્યોત્સ્નાએ કારને સુરેન્દ્રના ઘર તરફ લીધી, અને તેના જ ઘર આગળ અટકાવી.

'કેમ અહીં, જ્યોત્સ્ના ? તમારા “ડૉન ક્વિક્ઝોટ” ઘેર નહિ હોય અત્યારે.' શ્રીલતાએ કહ્યું.

'બનતાં સુધી તો નહિ જ હોય. માટે આવી છું... ચાલ, જરા સુરેન્દ્રનાં માને મળી લઈએ.'

'હજી એની મા ગમે છે ખરી! તું મધુકરને રઝળાવવાની જ છે!' કહી શ્રીલતા કારમાંથી ઊતરી અને જ્યોત્સ્ના સાથે સુરેન્દ્રના નાનકડા પરંતુ ચોખ્ખા ઘરને બારણે આવી ઊભી રહી.