પૃષ્ઠ:Snehashristi.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્ન અને માનવખરીદીઃ ૧૯૧
 


‘આવો બહેન ! અંદર. કોનું કામ છે? સુરેન્દ્ર તો ઘરમાં નથી.’ ઘરની અંદર એક પાટ ઉપર બેસી કાંઈ કામ કરતાં સુરેન્દ્રનાં માતાએ કહ્યું.

‘આપને જ મળવા આવ્યાં છીએ… સુરેન્દ્રનું કામ નથી… અને એ હોત તો વધારે સારું થાત… પણ કાંઈ નહિ.’ કહી જ્યોત્સ્ના તથા શ્રીલતા અંદર આવ્યાં અને પાટ ઉપર સુરેન્દ્રનાં માતા પાસે બેસી ગયાં.

‘બહુ સારું કર્યું, બહેનો ! કહો મને મળવા જેવું શું કામ છે ?’ માતાએ પૂછ્યું.

‘એક તો સુરેન્દ્રનાં માતાજીને અમારે જોવાં હતાં… સુરેન્દ્ર કદી અમને ઘેર બોલાવતો નથી.’ શ્રીલતાએ કહ્યું.

માતાજી હસ્યાં અને બોલ્યાં :

‘સુરેન્દ્રની મા અને સુરેન્દ્રનું ઘર જોવા લાયક ન હોય તે ન જ બતાવે ને ?’

‘અમને તો એ ખરેખર જોવા જેવા લાગ્યાં. આંગણામાં સાથિયો. પગથિયાં સ્વચ્છ, અને બધું જ ચોખ્ખું જોઈને અમે કેટલીય વાર સુરેન્દ્રને કહ્યું કે એ અમને ઘરમાં બોલાવે… પણ એ શેનો માને ?’ શ્રીલતાએ જવાબ આપ્યો.

‘ઘરમાં આવવું તમારાં સરખાંને ન જ ફાવે… નહિ ખુરશી, નહિ કોચ-સૉફા, નહિ કલામય છબીઓ…’

સુરેન્દ્રની માતાના વિવેકમાં એટલું તો બંનેને દેખાયું કે એ માતા નવીન ઢબથી અપરિચિત અજ્ઞાન બાઈ તો ન જ હતાં.

‘જે છે એ કેટલું સરસ ગોઠવાયું છે ? મારા ઘરમાં તો ભારેમાં ભારે વસ્તુઓ પણ આંખને વાગતી લાગે છે. અહીં તો આંખને ભાર જ લાગતો નથી.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘ભણેલી બહેનોને ગમ્યું એ મને ગમ્યું. કહો બહેનો ! ક્યાંથી આવ્યાં? મારું શું કામ પડ્યું ?’ માએ પૂછ્યું.

‘સુરેન્દ્રના પૈસા આપવા હું આવી છું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘સુરેન્દ્રના? તમે રાવબહાદુરનાં દીકરી તો નહિ ને ?’ માએ પૂછ્યું.

‘હા જી. સુરેન્દ્ર મને જ શીખવવા આવતા હતા. આ મારી બહેનપણી છે, શ્રીલતા.’

‘બહુ સારું. સુરેન્દ્રને શાના પૈસા આપો છો ?’

‘ગયા મહિનાનો પગાર આપવો બાકી છે, તે આપવા હું આવી છું.’