પૃષ્ઠ:Snehashristi.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨:સ્નેહસૃષ્ટિ
 

સતયુગના ક્ષત્રિયોની માફક, અગર તો વર્તમાન યુગની ઝમકદાર ક્લબોના સભ્યોની માફક સહુએ એ જુગાર ખેલવાનો જ ! આજનાં યુવક-યુવતી પણ એ જાણે છે અને ખેલવા ઈચ્છે પણ છે. પરંતુ પૂર્વે બાળકોનાં લગ્નો જુગાર માતાપિતા રમતાં હતાં તે બદલાઈને હવે યુવક-યુવતીઓએ જાતે એ રમત હાથમાં લઈ લીધી છે. એટલે માબાપ માત્ર ચિંતાનાં અધિકારી રહ્યાં છે !

મોટરકારનું હૉર્ન વાગ્યું અને માતાપિતાએ જાણ્યું કે પુત્રીએ બંગલામાં પ્રવેશ કર્યો. તેની રાહ જોઈ રહેલાં બંને જણે જોયું કે જ્યોત્સ્નાની સાથે એક યુવક પણ દિવાનખાનામાં પ્રવેશ કરતો હતો અને બંનેને નમસ્કારનો અભિનય દર્શાવી રહ્યો હતો.

‘મને જરા મોડું થયું નહિ, મા ? આ સુરેન્દ્ર. એમ. એ. થઈ ગયા છે, આગળ અભ્યાસ પણ કરે છે. અને ભાઈ ! તમે સેક્રેટરીની વાત કરતા હતા ને ? એ મારા અભ્યાસમાં પણ મદદ કરશે અને આપનું પણ કામ કરી શકશે - સેક્રેટરી તરીકે.’ જ્યોત્સ્નાએ માતાની સોડમાં ઊભા રહી કહ્યું.

માતાપિતા બંને સુરેન્દ્રને જોઈ રહ્યા તો હતાં જ. પ્રથમદર્શને સહુ સારાં લાગે. પિતાએ સુરેન્દ્રને ખુરશી પર બેસાડ્યો અને કહ્યું :

‘હું બહુ રાજી થયો… કહો ક્યારથી આવી શકશો ?’

‘આપ કહો ત્યારથી હું આવી શકીશ. પરંતુ…’ સુરેન્દ્ર જરા અટક્યો. જ્યોત્સ્ના સહેજ આંખ સ્થિર કરી તેની સામે જોઈ રહી, પરંતુ સુરેન્દ્રે જ્યોત્સ્નાની નજર પકડી નહિ.

‘પગારનો ઊંચો જીવ ન રાખશો…’ રાવબહાદુરે કહ્યું. ધનિકોની ખાતરી થઈ ગયેલી હોય છે કે જગતભરમાં માનવી પગાર ઉપર જ જીવતાં હોય છે ! અને તે ધનિકો આપે તે જ પગાર ઉપર !

‘ના જી… હું પગારનો વિચાર જ કરતો નથી.’ સુરેન્દ્રે કહ્યું.

‘ત્યારે ?’

‘મારી પાત્રતાનો વિચાર કરું છું.’

‘એટલે ?’

‘હું શિક્ષક… કદાચ બની શકું… સેક્રેટરી નહિ.’

‘કેમ ?’

‘આપને લાગશે, મારા વિચારો જરા ક્રાન્તિકારી છે… આપને નહિ લાગે તોય આપને કોઈ ને કોઈ એમ કહેશે જ.’

રાવબહાદુર જરા મોટાઈ ભર્યું હસ્યા. ક્રાન્તિ ક્રાન્તિ પોકારતા