પૃષ્ઠ:Snehashristi.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
 
સાધુ અને વિતંડા
 

જ્યોત્સ્નાના મનમાં સુરેન્દ્ર ક્યાં હશે એવો પ્રશ્ન ઊભો થયો ત્યારે નગરને છેડે આવેલા એક ભગ્ન શિવાલયની અર્ધભગ્ન ઓસરીમાં એક સાધુ જેવા દેખાતા માનવી પાસે સુરેન્દ્ર બેઠો હતો. સાધુની આસપાસ પેલો ભજનિક, તેની સ્ત્રી અને તેનાં બાળકો પણ બેઠાં હતાં. જે ભજનિકને સુરેન્દ્રે પોતાનો આખા માસનો પગાર આપી દીધો હતો એ જ ભજનિક કુટુંબ આગ્રહ કરી સુરેન્દ્રને પોતાના રહેઠાણમાં લેઈ આવ્યું હતું. જેને રહેવા માટે કોઈ પણ સ્થાન ન હોય એવા સાધુઓ, માગણ, ભિખારી અને બેકારોને આવાં ભગ્ન મંદિરો કદી આશ્રય આપી શકે ખરાં. તેમની જોડે જુગારીઓ, વ્યભિચારીઓ, ચોર, ડાકુ અને ગુંડાઓ પણ આ સ્થળનો લાભ લઈ શકે છે. આર્યમંદિરોએ ભક્તોને જ નહિ પરંતુ અભક્તોને પણ આશ્રય આપ્યો છે ખરો.

‘તારાં વખાણ આ ભજનિકોએ કર્યાં એટલે તને જોવા અને મળવા મેં બોલાવ્યો છે. તારો સમય તો જરા બગડ્યો, પરંતુ…’ સાધુએ સુરેન્દ્રને પોતાની પાસે બેસાડી કહ્યું.

‘નહિ મહારાજ ! મારો સમય બગડતો જ નથી. આપનાં દર્શન થયાં એ મોટો લાભ.’ સુરેન્દ્ર જવાબ આપ્યો.

‘તું સાધુઓમાં માને છે ખરો ?’ ખડખડ હસીને સાધુએ પૂછ્યું.

‘કેમ નહિ? સાધુત્વ તો આખી માનવજાતને પૂજ્ય હોય.’

‘હું તો અમારા સરખા, દેખાવ કરતા હિંદુ સાધુઓની વાત કરું છું.’

‘આપને જાણ્યા વગર, આપને ઓળખ્યા વગર હું કેમ કહી શકું કે આપ માત્ર દેખાવ કરતા હિંદુ સાધુ છો ? અને દેખાવ તો બધાય સાધુઓ કરે છે… અને અસાધુઓ પણ…’

’કદાચ એમાંથી જ ધર્મછાપ રહિત સમાજ ઊભો થશે.’ સાધુએ કહ્યું

સુરેન્દ્ર ચમક્યો. સાધુની વાણી વિશુદ્ધ હતી. ગામડિયા ભજનિક કે