પૃષ્ઠ:Snehashristi.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમજની શરૂઆત : ૧૩
 

કેટલાય યુવાનોને તેમણે ચુપચાપ સરકારી અને ખાનગી નોકરીમાં પેસી જતા જોયા હતા… અને ક્રાંતિ પણ વગર પૈસે થતી હોય એમ તેઓ ધારતા નહિ. મહાસભાને જ માત્ર નહિ, પરંતુ સમાજવાદની છાપવાળાં મંડળોને ઠીક ઠીક પૈસાની જરૂર પડે છે. એનો એમને અંગત અનુભવ હતો. હસતે હસતે તેમણે કહ્યું :

‘તમે પ્રામાણિક લાગો છો… તમારી જાતે જ તમે તમારી મર્યાદા બતાવો છો… એની હરકત નહિ. યૌવનમાં સહુ કોઈ ક્રાંતિકારી… પછી વિચારોની તીખાશ હળવી પડી જશે…’

‘આપને મારા કરતાં વધારે અનુકૂળ મિત્ર સેક્રેટરી તરીકે મેળવી આપું તો ?’

‘કોની વાત કરો છો ?’ જ્યોત્સ્નાએ જરા ચિંતાભર્યા કંઠે કહ્યું.

‘તમે ઓળખો છો !… આપણા મધુકરની વાત. એને જરૂર પણ છે અને એ વધારે લાયક પણ છે.’ સુરેન્દ્રે કહ્યું.

‘ભલે, એમને બોલાવો. કાલ સવારથી જ આવે… હું મળી લઈશ.’ કહી રાવબહાદુર ઊભા થયા.

જ્યોત્સ્નાએ કહ્યું :

‘પણ મારું શિક્ષણ તો તમારે જ સાચવવું પડશે. છેલ્લું વર્ષ છે. અને તમે ન આવો તો…’

‘તારે જોઈએ એ પહેલું, બહેન ! સેક્રેટરી ભલે કાલે આવે. આજથી જ આ સુરેન્દ્રભાઈ તારા શિક્ષક ! પછી કાંઈ ?’ માતા યશોદાએ કહ્યું. અને રાવબહાદુરે પત્નીનું સૂચન મંજૂર રાખ્યું. એટલું જ નહિ, પુત્રીને માથે વાત્સલ્યપૂર્વક હાથ ફેરવી પિતા દીવાનખાનાની બહાર ગયા. તેમની સાથે જ ધનિક પત્નીને શોભે એમ યશોદા પણ ચાલી નીકળ્યાં. જ્યોત્સ્નાએ માતાપિતાની પાછળ વિવેક ખાતર જવાનું હતું, પરંતુ સુરેન્દ્રને વિદાય આપવાના કારણે તે પાછળ રહી અને તેને કારમાં પાછો મોકલવા સારું સાથે જતાં જતાં તેણે કહ્યું :

‘સુરેન્દ્ર ! શા માટે તેં મધુકરનું નામ લીધું ?’

‘જ્યોત્સ્ના ! તને મધુકરની અભિલાષા અને તેની સ્થિતિ વચ્ચેનો ફેર કદી સમજાયો છે ?’ સુરેન્દ્રે કહ્યું.

‘મારે એ જાણીને શું કરવું છે ?’

‘રાવબહાદુરનું કામ મારા કરતાં વધારે સારું એ કરશે. એને જ આવવા દે… અને એને સાચવી રાખજે.’ સુરેન્દ્રે કહ્યું.