પૃષ્ઠ:Snehashristi.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨:સ્નેહસૃષ્ટિ
 

મટાય એમ નથી. પૂર્વઆશ્રમોને સંભારવા જોઈએ નહિ. જે આશ્રમમાં હોઈએ તે આશ્રમને સફળ કરવા મથવું.’

‘પરંતુ એ મથન સફળ ન થાય તો ?’

‘તું સાચો માર્ક્સવાદી હોય તો… તું જાણે જ છે કે એ માર્ગને સફળતા મળવાની જ છે. અમારા જુનવાણી ગીતામાર્ગને તું માનવાનો હોય તો ગીતાના બોધમાં ફળની આશા રાખવાની રહેતી જ નથી. અમે સાધુઓ તો મંથનમાં માનીએ, અને ફળ ઈશ્વર ઉપર છોડી દઈએ - સામ્યવાદીઓ આંતરિક વિરોધમાંથી ઊપજતા સંવાદ ઉપર છોડી દે તેમ.’

‘ઈશ્વર તો હજી સમજાતો નથી - કોઈ કોઈ વાર સમજવા પ્રયત્ન કરું છું તોય !’

‘એ પણ એના ઉપર છોડી દે. ઈશ્વર હશે તો કોઈક દિવસ સમજાશે. એને ગરજ હશે તો આપણને સમજાય એવી સ્થિતિ એ ઊભી કરશે. ઈશ્વર હશે જ નહિ - સામ્યવાદ પણ કહે છે કે ઈશ્વર નથી - તો પછી એને શોધવા ખોળવામાં વખત બગાડીશ નહિ.’ સાધુએ કહ્યું.

સાધુની વાતચીત સુરેન્દ્રને જરા અવનવી લાગી ખરી. તેને સામ્યવાદમાં રસ લેનાર સાધુ ગમ્યો ખરો. છતાં પ્રથમ દર્શને તો એને એમ લાગ્યું કે નવા નવા વાદને સમજી લોકો ઉપર અસર કરી પીછેહઠને માર્ગે જનતાને વાળી, ધર્મમાં જનતાને ઘસડી જનાર કેટકેટલા સાધુસંન્યાસીઓ હિંદમાં પોષાય છે – એટલું જ નહિ પણ અમેરિકામાં પણ પોષાય છે ! એવા વર્તમાન ભણતરના ડોળઘાલુ સાધુઓ સરખો આ પણ એક સાધુ હશે એવી માન્યતાનો પણ ક્ષણ માટે તેણે આશ્રય લીધો. સુરેન્દ્ર પણ હજી પક્કો સામ્યવાદી થઈ શક્યો નહોતો. મિલકતની રાષ્ટ્રીયતા, જનતાનો શ્રમ, પૃથ્વીનું એક માનવ-મહારાજ્ય અને રાજ્યનો અંતિમ લોપ જેવા સામ્યવાદી સિદ્ધાંતોમાં તે માનતો હતો; પરંતુ એ સિદ્ધાંતોને સફળ કરવા માટે હિંસક ક્રાંતિ હજી તેને રુચતી ન હતી. ધ્યેય અને સાધન બન્નેની વિશુદ્ધિમાં તે માનતો હતો. મલિન દુનિયાએ આપેલાં સાધનો લઈને એ મલિનતા કાપી શકાય એવો તેનો મત હજી દૃઢ થયો ન હતો. એવા સંજોગોમાં તે પોતાના સામ્યવાદને ઘણી વાર ગાંધીરંગ્યા સામ્યવાદ તરીકે ઓળખાવતો. અને એ કારણે જ્યારે જ્યારે તે ગાંધીવાદીઓ પાસે વધતી જતી ખાનગી મિલકતો વિરુદ્ધ કડવા શબ્દો કહેતો ત્યારે ગાંધીવાદીઓ તેને સામ્યવાદી માની-મનાવી એને દૂર હડસેલી કાઢતા, અને સરકારી ખજાના લૂંટવા, રેલવેમાર્ગો કે પૂલો તોડી પાડવા, મિલકતવાદીઓને ચમકાવવા માટે દૂષિત ન હોય એવા પ્રજાજનના ખૂન કરવાં, એને