પૃષ્ઠ:Snehashristi.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬:સ્નેહસૃષ્ટિ
 


સ્વપ્નમાં એ જાણે કોઈ જુદી જ દુનિયામાં ફરતો હોય એમ એને લાગ્યું. બાગબગીચાથી ઊભરાઈ રહેલા એક માનવનિવાસમાં તેણે પોતાને ઊભેલો જોયો. ચારે પાસ સ્વચ્છતા, સફાઈ અને કલામયતા વિસ્તરી રહ્યાં હતાં. અદૃશ્ય સંગીત વાતાવરણને નચાવી રહ્યું હોય એવી સ્ફૂર્તિ ફેલાવી રહ્યું હતું. તદ્દન અજાણ્યો પ્રદેશ તેને લાગ્યો. ખૂલતાં, સ્વચ્છ કપડાં પહેરી પુરુષો ને સ્ત્રીઓ હસતાં રમતાં, વાતો કરતાં, કદી સિસોટી વગાડતાં અગર આછું ઝીણું ગાતાં ટોળાબંધ ચાલ્યાં જતાં હતાં. માનવટોળાં જે મકાનમાંથી નીકળતાં હતાં એ મકાનો લગભગ સરખી ઊંચાઈનાં, સરખાં સુંદર અને સરખી સગવડવાળાં લાગતાં હતાં. અને પ્રત્યેક મકાન બગીચાઓથી ચારેપાસ ઊભરાતું હોય એવો ભાસ થતો હતો. આવું વ્યવસ્થિત અને આનંદમય સ્થળ તેણે હજી સુધી કદી જોયું ન હતું. મકાન પાસેના રસ્તા પણ ખૂબ વિશાળ, સગવડભરેલા, મૂર્તિઓ અને પુષ્પવેલની આકૃતિઓથી સુશોભિત લાગતા હતા.

એકાએક તેને મધુકર સરખી આકૃતિનો યુવાન દેખાયો. સુરેન્દ્રે તાળી પાડી તેને બોલાવ્યો :

‘મધુકર, મધુકર !’

મધુકર જેવી આકૃતિના પુરુષે જ નહિ પણ આસપાસ જતા આવતા પુરુષોએ તેની સામે જોયું અને સહુ કોઈ તેની પાસે દોડી આવ્યાં. મધુકર જેવા દેખાવના યુવકે સુરેન્દ્રને કહ્યું :

‘હું મધુકર તો નથી… પરંતુ મારી ત્રીજી પેઢી ઉપર મધુકર નામના મારા એક પિતૃ હતા ખરા ! તમારે મધુકરનું શું કામ પડ્યું ?’ યુવકે અત્યંત મીઠાશથી પૂછ્યું.

‘મને કાંઈ સમજ પડતી નથી. હું ક્યાં આવી ચડ્યો તેનો જરા પણ ખ્યાલ નથી. મને કહી શકશો કે હું ક્યાં છું ?’ સુરેન્દ્રે લાચારીથી પૂછ્યું.

‘તમે ક્યાંથી આવો છો ?’

‘એ તો ખબર નથી. હું એટલું કહી શકું કે હું વીસમી સદીમાંથી આવું છું.’ સુરેન્દ્રે જવાબ આપ્યો. સુરેન્દ્રને પોતાને જ સમજ ન પડી કે પોતે આ ઢબનો જવાબ કેમ આપ્યો. આખું ટોળું અત્યંત ખુશમિજાજથી સુરેન્દ્રનો જવાબ સાંભળી હસી પડ્યું અને મધુકરની ત્રીજી પેઢીનો પુરુષ પણ સાથે હસીને બોલ્યો :

‘એમ ? ત્યારે હજી વીસમી સદીના કોઈ કોઈ પુરુષો જડી આવે છે ખરા ! કહો, શું કામ છે ?’