પૃષ્ઠ:Snehashristi.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વપ્નમાં સત્ય: ૨૦૯
 


‘તમારા એ પૂર્વજનું નામ તમે ચાલુ રાખ્યું હશે. બહુ સારું કર્યું. મારી બે પેઢીએ “મધુકર” નામે જ ચલાવ્યું હતું; મેં માત્ર મારું નામ બદલ્યું.’ યુવકે કહ્યું.

સુરેન્દ્રનો પૂર્વજ કોણ ? વંશજ કોણ ? સુરેન્દ્ર તો પરણ્યો જ ન હતો. આ નવી દુનિયામાં હજી ‘સુરેન્દ્ર’ નામ કેમ યાદ રહ્યું હશે ? એ જાતે પોતે તો જીવતો જ છે ! અને તેના કાર્યક્રમમાં નિવાસસત્યાગ્રહની તો લડત હતી જ ! - જોકે હજી એ લડવાની બાકી હતી - કે એણે શરૂ કરી દીધી હતી ?

‘મારો પૂર્વજ ? કોણ જાણે ! પરંતુ આવી એક લડત મેં ઉપાડી હતી એ તો મને સહજ યાદ આવે છે…’ સુરેન્દ્રે જવાબ આપ્યો.

‘અરે, માનવજાતની એ લડત તો આજ ઈતિહાસમાં અમર બની ગઈ છે… તમે તે સમયે જન્મ્યા પણ નહિ હો… કદાચ છેલ્લી લડતમાં તમે હો તો… કોણ જાણે !’

‘છેલ્લી એટલે ? એવી ઘણી લડત હતી શું ?’

‘હા જી. પહેલી લડત શરૂ થઈ ભારત નામના પ્રદેશમાં…’

‘ભારત ?… ત્યારે આપણે ક્યાં ઊભા છીએ ? આ ભારત નથી ?’

‘આ સદી પહેલાં જેને ભારત કહેતા હતા તે આ પ્રદેશ ખરો. પરંતુ હવે એ નાનકડો દેશ રહ્યો નથી. વહીવટી સરળતા ખાતર જૂના એશિયાખંડને અમે ચાર વિભાગમાં વહેંચી નાખ્યો છે.’

‘એમ ? એ કયા વિભાગ ?’

‘આપણે જે વિભાગમાં ઊભા છીએ એ વિશાળ ભૂમિટુકડાને અમે ગાંધીખંડ કહીએ છીએ.’

‘ગાંધીખંડ ?… વાહ !… બીજા કયા ટુકડા !’

‘ખંડ એટલે જ ભૂમિટુકડો… ખરું ને ? ગાંધીખંડ એ દક્ષિણ વિભાગ; ઉત્તરખંડ આખો લેનીન વિભાગ; પૂર્વખંડને અમે માઓ વિભાગ કહીએ છીએ અને પશ્ચિમખંડને અમે મહમદ વિભાગ કહીએ છીએ.’

‘હું ખરેખર નૂતન દુનિયામાં આવી લાગ્યો છું ! પરંતુ… નવી દુનિયામાં તમે ધર્મો રાખ્યા લાગે છે !’

‘ધર્મ તો અમારો એક માનવધર્મ. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી કે બૌદ્ધ તરીકે કોઈ વ્યક્તિ પોતાને ઓળખાવશે જ નહિ… હા, જેને જે ધર્મનો અભ્યાસ કરવો હોય, જે ધર્મનું કર્મકાણ્ડ પાળવું હોય, તેને અમે રોકતા નથી. દાખલા તરીકે… જૂના હિંદુ ધર્મમાંથી યોગનો પ્રયોગ આજ ઠીકઠીક