પૃષ્ઠ:Snehashristi.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪:સ્નેહસૃષ્ટિ
 

જનતા પાસે ખેતી કરાવી અને સત્તા સાથે એને ઝઘડો શરૂ થયો… ઝઘડો વધતાં એવી પરિસ્થિતિ આવી કે ધારાસભામાં લવારો કરતા સભ્યો અને કાગળિયાં ચૂંથતા અમલદારો તથા પ્રધાનોને બબ્બે ત્રણત્રણ કલાકની ખેતી કરવાનો અને પછી સત્તા ભોગવવાનો અધિકાર આપવાની ઝુંબેશ ચાલી… ભાષણખોરો ભાગ્યા અને સાચા શ્રમજીવીઓ આગળ આવ્યા… પછી શું બાકી રહે ? વિદ્યાર્થીઓ, કારકુનો, વ્યાપારીઓ, સહુએ મઝદૂરી શરૂ કરી અને ભૂખમરો ભાગ્યો… ભારતમાંથી બીજે પણ એ જ પવન ફૂંકાયો… બુદ્ધિમાનોએ - કહેવાતા બુદ્ધિમાનોએ બહુ ભારે સામનો કર્યો… પરંતુ નિષ્ફળ, નિષ્ક્રિય, ઓછું કામ કરી મહત્તાનું શિખર માગતી શોષક બુદ્ધિની દુનિયાને જરૂર નથી… શ્રમહીન બુદ્ધિ બાળી નાખવાને પાત્ર છે એવી જેહાદ ઊભી થઈ અને કવિઓ, લેખકો, પ્રોફેસરો, વકીલો, ડૉક્ટરો, અમલદારો, મુત્સદ્દીઓ, સહુ ઘમંડ છોડી ઉત્પાદનમાં સામેલ થઈ ગયા… શ્રમને બુદ્ધિ મળી ને બુદ્ધિને શ્રમ મળ્યો… આખી દુનિયા માટે પોષણ તૈયાર થયું. અરે, એટલું સાધન આજ ઊપજ્યું છે કે કદાચ આ વર્ષે મંગળની જનતાને પણ અમે અનાજ આપી શકીશું.’

એકચિત્તે સુરેન્દ્ર આ હકીકત સાંભળી રહ્યો હતો. એને પોતાને પણ કંઈક આવા પરંતુ અસ્પષ્ટ વિચારો આવ્યા જ કરતા હતા. એ જ વિચારો અમલમાં મુકાઈ નવી દુનિયા રચાઈ ચૂકી શું ? અને રચાઈ હોય તો એ ત્રણ પેઢી પછી જીવતો શી રીતે શક્યો ?

‘એ સુરેન્દ્રની છબી મળી શકે ખરી ?’ સુરેન્દ્રે યુવતીને પૂછ્યું.

‘કેમ નહિ?… અમે તેની ભવ્ય પ્રતિમા ગોઠવી છે. ચાલો, હું તમને એ બતાવું.’ કહી સુરેન્દ્રનો હાથ પકડી એ યુવતી તેને આગળ લઈ ગઈ. જમી તો એ ક્યારનો રહ્યો હતો.

રસ્તે જતાં સુંદર વીજળીમાં ચમકતાં સૂત્રો તેણે સ્થળે સ્થળે વાંચ્યા.

असतो मा सद् गमय ।
तमसो मा ज्योतिर्गमय ।
मृत्योर्मा अमृतं गमय ।

‘આ શું ?’ સુરેન્દ્રે પૂછ્યું.

‘એ આ નવી દુનિયાનાં સૂત્રો.’ યુવતીએ જવાબ આપ્યો.

‘પરંતુ… એ તો… બહુ પ્રાચીન… જૂના વૈદિક સંસ્કૃતિનાં સૂત્રો છે… નવી દુનિયાને એ ફાવે ખરાં ?’