પૃષ્ઠ:Snehashristi.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૩૩
 
નાગચૂડ
 

પ્રતિમા ખરેખર તેને જ બોલાવતી હતી અને તે સુરેન્દ્રની પોતાની જ પ્રતિમા ! કેટલી એ વિશાળકાય પ્રતિમા હતી ! પાંચ સુરેન્દ્રોને ભેગા કરે તો આ પ્રતિમા બરોબર કદાચ થઈ શકે. પરંતુ તે પોતે તો એકલો જ – એક જ સુરેન્દ્ર હતો. પાંચ સુરેન્દ્રો મળે તો માનવજાતનું પરિવર્તન ન થાય ? સુરેન્દ્ર ઘણી વાર વિચારતો હતો કે પાંચ ગાંધી, પાંચ લેનીન અને પાંચ માઓત્સેતુંગ મળે તો માનવ બદલાય અને આજના કરતાં વધારે સુખી થાય ખરી. એણે કદી એવો ઘમંડ સેવ્યો ન હતો કે પાંચ સુરેન્દ્રો મળે તો જગત બદલાઈ જાય… છતાં દુનિયા તો બદલાઈ ગઈ છે ! અને તેની પોતાની પ્રતિમા તો તેની સામે ઊભી ઊભી તેના નામ સાથે તે પોકારી રહી છે !

તેની સાથે આવેલી સ્ત્રી-સંચાલિકાને તેણે પૂછ્યું :

‘શું, આ પ્રતિમા બોલે છે ખરી ?’

‘ના જી. આજે જ એ ચમત્કાર થયો ! અને અમારી નવી દુનિયા ચમત્કારમાં કદી માનતી જ નથી. હું હમણાં જ અમારા વિજ્ઞાનવિદોને ફોન કરી અહીં બોલાવું છું અને પ્રતિમાએ ઉપજાવેલા ચમત્કારનાં હું શાસ્ત્રીય ઢબે કારણ શોધી કઢાવું છું.’

મૂર્તિ હતી અને ફરી તેણે બૂમ પાડી: ‘સુરેન્દ્ર !’ એટલું જ નહિ પરંતુ તેને કાને ખખડાટ પણ સંભળાયો અને એકાએક તેનો હાથ તેની આંખ ઉપર દબાયો. ખખડાટ હજી ચાલુ જ હતો અને ‘સુરેન્દ્ર’ એવાં સંબોધનો સંભળાયા જ કરતાં હતાં. આંખ ઉપરથી તેણે હાથ હઠાવી લીધો. તેની આંખ ખૂલી ગઈ અને તેણે એક બીજો ચમત્કાર જોયો. તેનું પોતાનું જૂનું વીસમી સદીનું નાનકડું મકાન અને તેની સાધનહીન પરંતુ માતૃત્વભરેલી માતા તેની સામે ઊભેલી દેખાઈ.

તો શું એકવીસમી સદીની નવી દુનિયા પાછી ખસી ગઈ ? કે વીસમી અને એકવીસમી સદીની વચમાં તે પછડાયા કરતો હતો ? ફરી તેણે અવાજ