પૃષ્ઠ:Snehashristi.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાગચૂડ: ૨૧૭
 

સાંભળ્યો : ‘સુરેન્દ્ર ! એ અવાજ પ્રતિમાનો ન હતો; પ્રતિમા અદૃશ્ય થઈ ગઈ હતી. એ સાદ તેની માતાનો હતો. માતા એટલે જ પાંચ સુરેન્દ્ર ! નહિ ? આ માતા ન હોત તો સુરેન્દ્ર સુરેન્દ્ર બની શક્યો ન હોત. એ જ માતા એને પાંચ સુરેન્દ્રનું બળ આપી રહી હતી !

‘હજી સૂઈ રહેવું છે ભાઈ ?’ માતાએ આગળ પૂછ્યું.

‘ના મા ! હું હવે બેઠો થાઉં છું.’

‘તબિયત કેવી છે તારી ? હું તો ચિંતાથી મરી ગઈ. કોઈ દિવસ નહિ અને આજે આટલું ક્યાંથી સૂતો ?’ માએ કહ્યું. અને સુરેન્દ્રના કપાળ ઉપર માતાએ હાથ મૂક્યો, અને તેની આંખમાં એકાએક ચિંતા વ્યક્ત થઈ :

‘દીકરા ! તાવ છે.’ માએ કહ્યું.

‘હોય નહિ, મા ! મને કદી તાવ આવે જ નહિ. મને તાવ નહિ પણ સ્વપ્ન આવ્યું લાગે છે.’ કહી સુરેન્દ્ર પથારીમાં બેઠો થઈ ગયો. ખરેખર તેને ખાતરી થઈ ગઈ કે તેણે જે એકવીસમી સદીનું દૃશ્ય જોયું તો માત્ર સ્વપ્ન જ હતું. એ સ્વપ્નની ગૂંચવણે તેના દેહની ઉષ્મા વધારી દીધી હતી. તેનો એક બીજો પણ સિદ્ધાંત હતો કે તેણે કદી દુર્બલ દેહી ન બનવું, અને માંદા તો કદી પડવું જ નહિ ! સ્વયંવરમાં ગરીબીને વરનાર માનવીથી માંદગીની મોજ કદી મેળવી શકાય નહિ.

ધીમે ધીમે તેને સમજાયું કે તે રોજ પાંચ વાગે ઊઠતો. આજ તે બે કલાક વધારે સૂઈ ગયો હતો. બહાર અજવાળાં થઈ ગયાં હતાં. એકવીસમી સદીનું દૃશ્ય દેખાડનાર રાત્રિએ તેને જાગૃત કરી એટલું જ દેખાડ્યું કે આજ સવારમાં તેની પાસે એક પૈસો પણ હતો નહિ. પાછું કોઈ ‘ટ્યૂશન’ શોધી કાઢવું પડશે એવો વિચાર કરી રહેલો સુરેન્દ્ર જાણતો હતો કે બેત્રણ સઘન કુટુંબોએ તેને થોડા દિવસ પહેલાં બાળકોના શિક્ષણનું કાર્ય કરવા જણાવ્યું હતું. એ બેત્રણ કુટુંબોમાં જઈ પોતાને શિક્ષણકાર્ય કરવાની જરૂરિયાત છે એમ કહેવું એ તેને માટે હવે એકનો એક માર્ગ રહ્યો દેખાયો. કોણ જાણે કેમ, તેને હાથમાં પૈસો રાખવો ગમતો જ નહિ. જેની પાસેથી કોઈ પણ પૈસો મળે એવું સાધન હતું તે સહુના પૈસા તેના મત પ્રમાણે કલંકિત હતા; અને કલંકિત પૈસામાંથી તેણે પોતે ભાગ મેળવીને ગુજરાન ચલાવવાનું હતું ! તેને કેટલીય વાર વિચાર આવતા અને તેના કેટલાય મિત્રો તેનામાં એ વિચાર પ્રેરતા કે એક વાર સારી રીતે ધન મેળવી લઈ, ધનની જરૂરિયાતથી પર બની, તેણે સેવાકાર્ય આદરવું - જો એ સેવાકાર્ય તેણે સફળ કરવું હોય તો ! પરંતુ ધન ભેગું કરવા જતાં અને ધન ભેગું થઈ ગયા