પૃષ્ઠ:Snehashristi.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮:સ્નેહસૃષ્ટિ
 

પછી તેના હાથમાંથી સેવાનો આખો પ્રદેશ ઊડી જાય એવો તેને સતત ભય રહેતો. એટલે તેણે કદી એ માર્ગને પોતાનો માર્ગ ગણ્યો જ નહિ. બાકી રહ્યો એક જ માર્ગ, કે કલંકિત પૈસા પણ જેટલા બને એટલા ઓછા લઈ પોતાનું ગુજરાન કર્યે જવું અને સમય તથા શક્તિનો મોટો ભાગ પોતાનાં નહિ પરંતુ પારકાનાં ગુજરાન સાધનો વધારવામાં ગાળવો.

તેણે ઘરમાં માતાને પૂછી જોયું. આજના દિવસ પૂરતું ઘરમાં સાધન હતું. સુરેન્દ્ર આસ્તિક હોત તો તે આવતી કાલની ચિંતા પ્રભુ ઉપર છોડી દેત. પરંતુ આળસુ ભક્તોની - અનુત્પાદક સાધુઓની ચિંતા કરતા અશાસ્ત્રીય ઈશ્વરની કલ્પનામાં સુરેન્દ્ર રાચે એમ ન હતું. તેણે હવે ઈશ્વરને બાજુએ મૂકી આવતી કાલના પોતાના ગુજરાન માટે પ્રયત્ન કરવો રહ્યો. જે કુટુંબોએ તેને શિક્ષણ આપવા આમંત્રણ આપ્યું હતું તે કુટુંબો તરફ જવાનો તેણે નિશ્ચય કર્યો. પરંતુ ત્રણે જગાએથી તેને કહેવામાં આવ્યું કે જે તે કુટુંબે. શિક્ષકો રાખી લીધા હોવાથી હવે તેમને સુરેન્દ્રની શિક્ષક તરીકે જરૂર ન હતી.

તે એક સહજ ઓળખીતા પત્રકારની કચેરીમાં ગયો. સરકારી નોકરી ન સ્વીકારનાર અગર ન મેળવી શકનારને શિક્ષક કે પત્રકારનો પ્રદેશ કદાચ સંગ્રહી શકે. સુરેન્દ્રને પત્રના અધિપતિએ બોલાવ્યો તો બહુ માનસહ, પરંતુ જ્યારે તેમણે સાંભળ્યું કે સુરેન્દ્ર રાવબહાદુરના ઘરની કે જીવનની કોઈ જાહેરાત લીધા વગર આવ્યો છે અને ઉપરથી વળી નોકરી માગી રહ્યો છે, ત્યારે તેમનું સુરેન્દ્ર માટેનું માન એકાએક ઘટી ગયું, અને પત્રની કચેરીમાં તેને માટે જગા હતી નહિ અને સુરેન્દ્ર સાથે વધારે લાંબો સમય ગાળવાનો સમય અધિપતિને હતો નહિ એવું સૂચન તેમણે અર્ધ સ્પષ્ટ વાણી અને પૂર્ણ સ્પષ્ટ અભિનયથી કરી દીધું.

સુરેન્દ્ર એ સૂચન ગ્રહણ કરીને પાછો ફર્યો. એક ક્ષણ માટે તેને એમ પણ વિચાર આવ્યો કે તે પહેલી રાત્રે મળેલા સાધુ પાસે જઈ વગર કમાણીએ જીવવાના પ્રયોગની કૂંચી તેમની પાસેથી શીખી લે ! હિંદુસ્તાનના સાધુઓએ જે કાંઈ સેવા કરી હોય, કે ધર્મ સાચવ્યો હોય કે બોળ્યો હોય, તેની સુરેન્દ્રને ચિંતા ન હતી. તે માત્ર તેમની તરફેણમાં એટલું તો શીખી શક્યો હતો કે વગર પૈસે ચરિતાર્થ ચલાવવાની કળા કોઈને પણ સાધ્ય હોય તો તે હિંદુસ્તાનના સાધુઓ પાસે છે ! જે યુગને ધર્મ સાચવી રાખવો હતો. તે યુગને માટે એ સઘળું શક્ય હતું જ. હવે નવીનતાભરી સૃષ્ટિમાં નવીન ફેરફાર કરવા હોય તો નવીન સાધુઓએ પણ આ કળા શોધી કાઢવી રહી.