પૃષ્ઠ:Snehashristi.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦:સ્નેહસૃષ્ટિ
 

આ વિચારમાં અને વિચારમાં તેણે માતાની સાથે શી વાતચીત કરી. તે શું જમ્યો, એણે બહાર નીકળીને પોતાની બેકારીના નિવારણ માટે પગલાં ભરવાનાં હતાં, એ બધી વિગતો તે અત્યારે ભૂલી ગયો અને તેની નજર સામે ધનની નાગચૂડ જ સતત આવ્યા કરી. ધનની નાગચૂડ ક્યાં ક્યાં ન હતી ?

એ જમતો હતો એ અનાજ ઉપર ધન ફણા માંડી બેઠું હતું.

તે જે મકાનમાં રહેતો હતો તે મકાનનું ભાડું નાગની જીભ બનીને સળક્યા કરતું હતું !

પ્રેમ ઉપર પણ નાગની આંખો હીરાની માફક ચમક્યા કરતી હતી ! શ્રીલતા જેવી અદ્ભુત આકર્ષક યુવતીને બાજુ ઉપર મૂકી મધુકર ઠંડી જ્યોત્સ્ના તરફ ઉષ્મા પ્રગટાવવા મથતો હતો એમાં પણ પ્રેમ કરતાં ધનનું જ આકર્ષણ વિશેષ હતું ને ! નાગને માથે મણિ હોવાની કલ્પના ધનને જોતાં જ આવવી જોઈએ !

પરંતુ ધન છોડી, ઝૂંપડીમાં આવી વસવાની તૈયારી બતાવતી જ્યોત્સ્નાના પ્રેમને સુરેન્દ્ર પોતે જ હડસેલતો હતો એમાં પણ ધનની નાગચૂડનો જ એને ભય હતો ને ? જ્યોત્સ્ના ધનિકની દીકરી ન હોત તો સુરેન્દ્ર એને જરૂર ચાહી શક્યો હોત. આમ ધન સામી બાજુએથી ભય ઉપજાવીને પણ પ્રેમને શોષી લે છે; એનું નામસ્વરૂપ તો જરાય હસતું છે જ નહિ.

પરંતુ ખરેખર સુરેન્દ્રનો પ્રેમ જ્યોત્સ્ના પ્રત્યેથી ખેંચાઈ-શોષાઈ ગયો છે ખરો ? જ્યોત્સ્ના ધનિક છે છતાં તે જ્યોત્સ્નાને ચાહતો નથી એમ એ ખરેખર કબૂલ કરી શકે ખરું ?

ના; તે જ્યોત્સ્નાને જરૂર ચાહતો હતો - માટે જ તે જ્યોત્સ્નાને પોતાના સરખા એક કૃતનિશ્ચયી અધનિક સાથે પ્રેમ કરતાં અને એ પ્રેમના પરિણામરૂપી લગ્નમાં ખેંચાતાં અટકાવતો હતો !

જ્યોત્સ્ના મધુકરને પરણી જાય તો ! સુરેન્દ્ર એક રીતે જરૂર રાજી થાય - જેને ચાહે છે તેનું સુખ તે એથી સાચવી આપતો હતો.

પરંતુ એને એક વાત જરૂર ખૂંચતી હતી ખરી જ કે મધુકર જેવો ચબરાક, છતાં માત્ર પ્રેમને પણ પોતાની કારકિર્દીનું પગથિયું બનાવનાર મધુકર સાથે જ્યોત્સ્ના - અગર કોઈપણ સ્વમાની સ્ત્રી ભાગ્યે જ સુખી થઈ શકે!