પૃષ્ઠ:Snehashristi.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાગચૂડ : ૨૨૧
 

 અને પ્રેમને ખાતર ધનને જતું કરવા તૈયાર થયેલી જ્યોત્સ્નાની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો એમ ન કહી શકાય કે ધનની નાગચૂડ પ્રેમને ગૂંગળાવી શકતા નથી ? નહિ તો જ્યોત્સ્ના તેની માતા પાસે જઈ શા માટે સો રૂપિયા આપવાની વૃત્તિ ઉપજાવે ? કેટલાંક જૂઠાણાંની પાછળ પુષ્પ સરખી સ્વચ્છ સુવાસ હોય છે ! નહિ ?

કદાચ પ્રેમ એ ઘેલછા હોય તો ? પ્રેમ એ માત્ર ભૌતિક આકર્ષણ હોય તો ? સાચો પ્રેમ જેને કહેવામાં આવે છે એ જરૂર ઘેલછા તો છે જ; પરંતુ એ જ પ્રમાણે પ્રેમને પણ બાજુએ ખસેડી આદર્શસિદ્ધિ માટે સર્વાર્પણ કરવા મથતા સુરેન્દ્રની ભાવના એ પણ એક પ્રકારની ઘેલછા જ કહી શકાય ને ? પરંતુ એ ઘેલછા સુરેન્દ્ર પોતાની બનાવી ન લીધી હોત તો ભારતના સેંકડો શિક્ષિત યુવાનોની માફક એ પણ ટેબલખુરશી ઉપર બેસી કચેરીનો કારકુન કે સાહેબ બની શક્યો હોત; સાચજૂઠના ભેળમાંથી ધનના ફુવારા પોતાની આસપાસ ઉરાડતો, અદાલતો ધ્રુજાવતો એ વકીલ પણ બની શક્યો હોત. અગર જનતાના રોગરાઈમાંથી રંગીન બંગલાઓ અને આરોગ્યધામો બનાવતો ડૉક્ટર બની શક્યો હોત. - જેના આરોગ્યધામના દરવાજા ગરીબો સામે બંધ જ હોય છે ! અગર તે લવારે ચઢેલો નેતા, આંગળી ઊંચી કરતો ધારાસભ્ય કે સીસાના પાયા ઉપર ગોઠવાયેલી, કદી પણ હાલી ન શકે એવી ખુરશીની બનાવટમાં મશગૂલ બનેલો કોઈ પ્રધાન બની શક્યો હોત.

પરંતુ એથી ધનનો ઢગલો જરાય વેરાયો હોત ખરો ? આજની આર્થિક નાગચૂડ જરાય ઓછી સખત થઈ હોત ખરી ?

ના. કદાચ એણે પોતે જ ચાલતા પ્રવાહોમાં તરીને એ નાગચૂડને એક વધારે વળ આપ્યો હોત. તેના આદર્શે તેને એક સંતોષ તો આપ્યો જ : ધનની નાગચૂડ વધારવામાં તેનો જરાય ફાળો આજની દુનિયાને મળતો નથી - અને મળશે નહિ !

આમ પ્રેમ એ નાગચૂડથી પર છે, ભાવના અને સાધના પણ નાગચૂડથી પર છે. એ નાગચૂડથી પર રહેલાં તત્ત્વો એકત્રિત થાય તો ?

એ કયાં કયાં તત્ત્વો હશે કે જે ધનની નાગચૂડથી પર રહી શકે છે ?

તે પોતે ચોપડી હાથમાં લઈ સાદડી પર બેઠો બેઠો આ વિચારો કરી રહ્યો હતો તેનો તેને ખ્યાલ પણ રહ્યો નહિ અને તેની માતાએ તેનું અર્ધ ખુલ્લું બારણું સહજ ખટખટાવી અને પછી ઉઘાડી સ્મિત સહ કહ્યું :

‘સુરેન્દ્ર ! પછી… તારે બહાર જવું નથી ? તું કહેતો હતો ને કે તને કાંઈ