પૃષ્ઠ:Snehashristi.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
મધ્યમ વર્ગનાં ગૃહ
 


સુરેન્દ્ર આવ્યો કારમાં. પણ કોની કાર ? જ્યોત્સ્નાની ?… અરે નહિ, જ્યોત્સ્નાના પિતાની એ કાર ! ધનિકોનાં બાળકોને નિર્ધન બાળકો કરતાં વધારે મોટા હક્ક ! અને સરખા હક્ક તથા સરખી તકની મિથ્યા વાતો જગતભરના રાજદ્વારીઓ કર્યે જાય છે. અને પોતાના હક્ક અને પોતાની તક નિશ્ચિત કરી લાવે છે ! હક્ક એટલે ? સુખ વેચાતાં લેવાનાં સાધન ! માબાપ ધનિક હોય તેથી તેમનાં બાળકોને સુખસાધન વધારે શા માટે હોવાં જોઈએ ? ધનનો અસમાન વિસ્તાર માનવહૃદયમાં વિષભર્યા નાગને જન્માવે છે - ગરીબોનાં હૃદયમાં તેમ જ ધનિકોના હૃદયમાં ગરીબોનાં હૃદય અસંતોષ અને અસૂયાથી ઊભરાય; ધનિકોનાં હૃદય ગર્વ અને ઘમંડથી ઊભરાય… એ ઝેરભર્યા જગતમાં સુખ ક્યાંથી હોય ?

સ્વચ્છ કારને અંદર બેસનારના હૃદયની શી પરવા ? પગે ચાલતી માનવતાની મશ્કરી કરતી કાર સુરેન્દ્રને એના ઘર તરફ ઘસડી જતી હતી. એના ઘર ભણી બહુ કાર આવતી જતી પણ નહિ. જે કાર આવતી તે સહુ પાસેથી આશ્ચર્ય અને માનની ખંડણી ઉઘરાવતી ચક્રવર્તી સરખી ચાલી જતી હતી. એના ચક્રને સહુએ માન આપવું જ પડે અને એને માર્ગ આપવો જ પડે. નહિ તો ?

ઊંઘમાંથી ચમકાવીને જાગૃત કરતું હૉર્ન વિશ્વના કર્કશ અને કઠોર સૂરનો એક અજબ નમૂનો જન્માવી પગે ચાલતી જનતાને ચોંકાવે અને ચેતાવે ! સુરેન્દ્ર પણ એવા જ કોઈ હૉર્નના અવાજથી ચોંકી ઊઠ્યો. કારના માલિકથી ચોંકી શકાય નહિ. પરંતુ સુરેન્દ્ર મિલમાલિક ન હતો. માલિકની મહેરબાની અનુભવતો એ ભિક્ષુક હતો ! કોઈની પણ કૃપા ઉપર જીવવું એનું જ નામ ભિક્ષુકવૃત્તિ. શા માટે એ જ્યોત્નાની કારમાં બેસીને આવતો હતો ? ફરીને હૉનર્નો કર્કશ અવાજ તેને કાને પડ્યો અને ડ્રાઇવરની ક્રોધભરી ભાષા પણ તેણે સાંભળી : ‘લોકોને ચાલવાનું ભાન જ નથી !’

પગે ચાલવાની ટેવવાળી અસંખ્ય જનતાને ચાલવાનું ભાન ક્યાંથી હોય ? કારમાં બેસનારની સગવડ સચવાય એવી રીતે ચાલતાં જનતાને