પૃષ્ઠ:Snehashristi.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨:સ્નેહસૃષ્ટિ
 

બીજી નોકરી મળવાની છે ? અને તારે એ માટે કોઈક સ્થળે જવું છે ?’

‘હા, મા ! એ તો વાત જ હું ભૂલી ગયો !’ કહી સુરેન્દ્ર ઊભો થયો. બપોરના ત્રણ વાગી ગયા હતા અને ચાર વાગે તેને શેઠસાહેબે બોલાવ્યો હતો - અને તે પણ અર્થશાસ્ત્ર સમજવા માટે ! અર્થશાસ્ત્રનો પહેલો સિદ્ધાંત એ કે સામાન્ય જનતાથી જેટલા બને એટલા દૂર રહી સામાન્ય જનતાને અડચણમાં નાખવાના બધા જ ઈલાજો લેવા ! ધનિકતાની એ પ્રથમ શિખામણ ! એક કલાક તો એને ચાલીને જતાં થાય એમ હતું. ગાડી અને બસભાડાના પૈસા આજ એની પાસે ન હતા. તે બહાર નીકળ્યો. કોણ જાણે કેમ, તેણે ઘર તરફ પાછળ નજર નાખી. તેની માતા હજી બારણામાં ઊભી ઊભી તડકે બહાર નીકળી ચૂકેલા પોતાના પુત્રને એકીટસે નિહાળી રહી હતી.

સુરેન્દ્રે વિચાર કર્યો :

પ્રેમ એટલે ?

માતૃપ્રેમ પણ એ પ્રેમ જ ને ? એને પણ નાગચૂડ ક્યાં અડકી શકી છે ?