પૃષ્ઠ:Snehashristi.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમવૈચિત્ર્યઃ ૨૨૭
 

…બહાર બેઠા હતા તે હું ખેંચી લાવી અંદર… એમને એમ એકલા બેસાડી ન રખાય…’ શ્રીલતાએ કહ્યું અને એક ખુરશી ઉપર તેને બેસાડ્યો.

સરેન્દ્ર અને મધુકર બન્નેએ જોયું કે જ્યોત્સ્ના સુરેન્દ્ર સામે જોતી જ ન હતી - જાણે તેને કદી ઓળખ્યો જ ન હોય, અગર એને ઓળખવાની તેને પરવા જ ન હોય.

‘હા હા, સારું કર્યું, બહેન ! તું એમને અંદર લઈ આવી તે… એમને નકામાં બહાર બેસી રહેવું પડે… ચા આપ એમને.’ નવનીતલાલે કહ્યું.

ધર્મિષ્ઠ ગણાતા એ જ ધનિકને થોડા જ સમયમાં આખું અર્થશાસ્ત્ર શીખી લેવું હતું !

‘સુરેન્દ્રભાઈ અમારી ચા પીતા જ નથી.’ શ્રીલતા બોલી.

‘ટોસ્ટ તો આપ… જરા સારું માખણ અને મુરબ્બો લગાડીને.’ નવનીતલાલે કહ્યું. જનતાના મોટા ભાગને જિંદગીભર જે વસ્તુઓ મળતી નથી તે ધનિકોના ઘરમાં ચાર ચાર વખત જમી શકાય છે. નાનો ટોસ્ટનો ટુકડો સુરેન્દ્રને લેવો પડ્યો. પરંતુ જે બીજાને ન મળી શકે તે પોતાનાથી ન જ લેવાય એ તેનો નિશ્ચય દૃઢ થતો ગયો.

સુરેન્દ્ર એ પણ સમજી શક્યો કે જ્યોત્સ્ના તથા શ્રીલતાએ ગોઠવેલા નાટકમાં નવનીતલાલની પુત્રીઓને ભાગ લેવાનો ઉત્સાહ હતો, ને એ અંગે વાતચીત કરવા નવનીતલાલ તથા તેમનાં પત્નીએ જ્યોત્સ્ના તથા શ્રીલતાને બોલાવ્યાં હતાં. જ્યોત્સ્ના જાય ત્યાં મધુકરે જવું જ જોઈએ એવો લગભગ નિયમ થઈ ચૂક્યો હતો. અને જોકે મધુકરનાં માતાપિતાએ ધનિક ઘરની કન્યા લેવાની શર્તમાં વધારે પડતો લોભ દર્શાવ્યો હતો અને જ્યોત્સ્નાનાં માતાપિતાને નારાજ કર્યાં હતાં, છતાં એ પરિસ્થિતિને વાળી લેતાં મધુકરને નહોતું આવડતું એમ તો કહેવાય જ નહિ. પોતાનાં માબાપ દ્વારા પોતાની આર્થિક કિંમત કરાવી એ કિંમત જતી કરવાની ઉદારતા પ્રદર્શિત કરવાનું મધુકર ચૂકે જ નહિ… એ જાણતો જ હતો કે જ્યોત્સ્નાની મિલક્ત એ એની જ મિલકત હતી !

વધારામાં મધુકરે એ પણ સમજી લીધું હતું કે જ્યોત્સ્નાનો સુરેન્દ્ર પ્રત્યેનો પ્રેમ હજી પૂરો ઓસર્યો ન હતો. સુરેન્દ્રને વિચિત્ર, કફોડી અને જ્યોત્સ્નાનો પ્રેમ ઓસરી જાય એવી સ્થિતિમાં મૂકી દેવાની મધુકરને ઇચ્છા હતી જ. અને ઇચ્છા પાર પાડવાની યોજના પણ તે ઘડતો હતો. દરમિયાન એક યોજના એને એ જડી જ કે જ્યોત્સ્નાને બને ત્યાં સુધી એકલી મૂકવી જ નહિ. અને એ સિદ્ધાંત અનુસાર તે આજે જ્યોત્સ્નાની સાથે જ