પૃષ્ઠ:Snehashristi.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮:સ્નેહસૃષ્ટિ
 

નવનીતલાલને ઘેર વગર આમંત્રણે પણ આવ્યો હતો. રાવબહાદુરના સેક્રેટરી તરીકે તેને હવે ધનિક ઘરોમાં માગે ત્યારે સ્થાન મળી શકતું. જ્યોત્સ્નાની સાથે ફરીને હવે મધુકર રાવબહાદુરના જમાઈનું સ્થાન નક્કીપણે જાહેર કરવા મથી રહ્યો હતો. સુરેન્દ્ર ઘરમાંથી રવાના થયો હતો, અને જ્યોત્સ્નાએ પોતાની સાથેના લગ્નની ના પાડી હોય એવો તેને આભાસ પણ થયો ન હતો - જ્યોત્સ્નામાં સંકોચ દેખાયો હોય છતાં.

તેમાં પાછી શ્રીલતાને એણે જોઈ અને સાથે જ હવે અણગમતા બની ગયેલા સુરેન્દ્રને પણ અણધાર્યો જોયો. એ ચમક્યો તો ખરો જ, પરંતુ એની તીવ્ર બુદ્ધિએ શ્રીલતા અને સુરેન્દ્રના પ્રવેશમાં પોતાનો માર્ગ મોકળો થતો પણ નિહાળ્યો. દસેક મિનિટ વહેલાં આવેલાં જ્યોત્સ્ના અને મધુકરને નવનીતલાલ, તેમનાં પત્ની અને બાળકો વહેલાં જ ચાખંડમાં લઈ આવ્યાં હતાં. શ્રીલતા કાંતો દસ મિનિટ વહેલી પણ આવી ચઢે અને દસ મિનિટ મોડી પણ આવે, એવી તેણે પોતાને માટે ખ્યાતિ મેળવી હતી. તે સહજ મોડી પડી અને એણે પણ સુરેન્દ્રને નવનીતલાલની રાહ જોતો અણધાર્યો જ નિહાળ્યો. સગપણને અંગે એ સુરેન્દ્રને અંદર તો લાવી શકી, પરંતુ એનો એક સુંદર ઉપયોગ કરવાની મધુકરને એમાંથી મુક્તિ જડી આવી એનો ખ્યાલ મધુકરને એકલાં મળતા સુધી શ્રીલતાને પણ આવ્યો નહિ.

ચા પીવાની ક્રિયા પૂરી થઈ. એ ક્રિયા પણ શ્રાદ્ધ કરવા જેટલો જ વિધિ માગી લે છે. નવનીતલાલે અંતે કહ્યું :

‘તો હું આ તમારા મિત્રને મારી સાથે લઈ જાઉ છું.’

‘કેમ ?’ શ્રીલતાએ કારણ પૂછ્યું.

‘મારે એમનું થોડું કામ છે.’

‘એની પાસે કામ ફાવે એટલું કરાવજો, પણ એને ચર્ચામાં ન ઉતારશો.’ મધુકરે મિત્રનો પરિચય આપ્યો.

‘કેમ?’ નવનીતલાલે પૂછ્યું.

‘એ નહિ હોય ત્યાંથી સામ્યવાદ ઊભો કરશે અને એને ગાંધીવાદી અંચળો ઓરાઢશે.’ શ્રીલતાએ જ મધુકરનો જવાબ આપી દીધો.

ચબરાક વાતની પટાબાજી ઉપર રીતસર હસવું જોઈએ. તે પ્રમાણે. હસ્યાં. એક અક્ષર ઉચ્ચાર્યા વગર બેઠેલા સુરેન્દ્રને સાથમાં લઈ નવનીતલાલ પોતાના કાર્યખંડમાં ગયા. જતે જતે સુરેન્દ્રને શ્રીલતાએ કહ્યું:

‘સુરેન્દ્ર ! અમારું “સ્ટેજ રીહર્સલ” એક અઠવાડિયામાં જ થવાનું છે.