પૃષ્ઠ:Snehashristi.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમવૈચિત્ર્યઃ ૨૨૯
 

તારા વગર અમે એ કરીશું નહિ. ગરીબોની સેવા એ દિવસે જરા મુલતવી રાખજે.’

‘ક્યાં રાખ્યું છે ?’ જતે જતે સુરેન્દ્રે પૂછ્યું.

‘રાવબહાદુરને બંગલે...જ્યોત્સ્ના બીજે ક્યાં થવા દે એમ છે ?’ કહી શ્રીલતા હસી.

એ જ ક્ષણે સુરેન્દ્ર સામે આટલી વારે જ્યોત્સાએ જોયું... સુરેન્દ્ર પણ જ્યોત્સ્ના સામે જોયું અને બન્નેએ પોતપોતાની દૃષ્ટિ ખસેડી લીધી. સુરેન્દ્ર અને નવનીતલાલ ખંડની બહાર નીકળી ગયા.

મધુકર અને શ્રીલતા જ્યારે જ્યારે મળતાં ત્યારે એકાંત શોધી કાઢતાં... અને લડતાં... આજ પણ શ્રીલતાએ જ કહ્યું :

‘ઉષાબહેન ! તમારું સંગ્રહસ્થાન હું મધુકરને બતાવી દઉં. જ્યોત્સ્ના ! તેં તો જોયું છે. ઉત્સવ અંગેની બધી વાત ઉષાબહેનને તું સમજાવ. એમની પાસેથી નાટકની અનેક વસ્તુઓ મળે એમ છે.’

મધુકર પણ આજ બહુ દિવસે અણગમો દર્શાવ્યા સિવાય ઊભો થઈ શ્રીલતા સાથે જરાય આનાકાની વગર બહાર નીકળી ગયો. જ્યોત્સ્નાએ ઉષાબહેનને અને તેમની નાનીમોટી દીકરીઓને ગ્રામ્યદૃશ્ય ભજવવા અંગે વાતો કરી. અને તેમાં સહુ કોઈ ભાગ લે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી.

‘હું તો હવે શું ભાગ લઉં ? પણ આ છોકરીઓ જરૂર આવશે.‘ ઉષાબહેને કહ્યું. ઉષા નામ ધારણ કરનારી સન્નારીઓએ મોટે ભાગે પોતાના જીવનમાં કાંઈ અને કાંઈ નાટકો કરેલાં જ હોય એમ નામની નવીનતા અને મૂળ નામધરી બાણાસુરની ઉષાના ઈતિહાસ ઉપરથી કહી શકાય ખરું. નવનીતલાલનાં પત્ની ઉષાબહેનને પણ એમના યુગમાં સારાં નાટક, મૂક દ્રશ્યો અને નૃત્યો ગોઠવેલાં - જે ઉપરથી નવનીતલાલે તેમના પ્રેમમાં પડી બીજી કન્યાઓને બાજુએ મૂકી ઉષાબહેન જોડે સ્નેહલગ્ન કરેલાં. જીવનમાંથી સ્નેહ જવા છતાં લગ્ન તો વળગેલું જ રહે છે ! નવનીતલાલ અને ઉષા વચ્ચે સ્નેહ ઘટ્યો હોય એમ બેમાંથી કોઈ પણ જણાવા દેતું નહિ. અને તેથી એ બન્ને પતિપત્ની ઘણાં ઘણાં સંસ્કારવર્ધક કાર્યોમાં ભાગ લેતાં હતાં અને અનેક સંસ્થાઓનાં મુરબ્બી સભ્યો તરીકે કલા-સંસ્કારને મદદ કરતાં.

લગભગ પોણો કલાક થયો. મધુકર અને શ્રીલતાએ નવનીતલાલનું સંગ્રહસ્થાન બહુ વિગતે નિહાળ્યું. જ્યોત્સ્નાએ દૃશ્યનો આખો ચિતાર અનુભવી ઉષાબહેનને સમજાવ્યો અને એમની સૂચનાઓ ધ્યાનપૂર્વક