પૃષ્ઠ:Snehashristi.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬:સ્નેહસૃષ્ટિ
 

શીખવવાની જરૂર પણ ખરી ! અને શિક્ષણમાં ચમકાવવાનો કાર્યક્રમ પણ યોજી શકાય ! ચમચમાટની શિક્ષણયોજના બહુ જૂની અને અનુભવમાં મુકાઈ ચૂકેલી છે. માત્ર સુરેન્દ્રને આવાં કર્કશ વાદ્યો સાંભળતાં એક જ વિચાર આવતો : ‘આવી સારી દેખાતી ગાડીને આવાં બિહામણાં ચમકાવનારાં ભૂંગળાં શોભે ખરાં ?’

કોઈ પૌર્વાત્ય સંસ્કૃતિના કલાધરે કાર ઉપજાવી હોત તો એના ભૂંગળામાં જલતરંગના સૂર કદાચ ઉપજાયા હોત !

એકાએક ગાડી અટકી. રાત્રિના સમયે પણ કારની મહત્તા પિછાનવા લોકો આસપાસથી કાર તરફ નજર નાખવા લાગ્યા. કારમાં બેસનારના મહત્વ પ્રમાણે જ શૉફર પણ પોતાનો અભિનય ઉપજાવે છે. સુરેન્દ્રને માટે નીચે ઊતરી બારણું ઉઘાડી સફાઈથી ઊભા રહી સલામ કરવાની જરૂર શૉફરને લાગી નહિ. સુરેન્દ્રનું ઘર આવ્યું; ગાડી ઊભી રહી; પોતાની મેળે બારણું ખોલી સુરેન્દ્ર નીચે ઊતર્યો; બારણું બંધ કર્યું અને આભાર માનવાની સુરેન્દ્રને તક મળે તે પહેલાં શૉફરે ગાડી ઉપાડી લીધી. ક્ષુધા, તૃષા અને પ્રેમ જેવાં ત્રણે માનવલક્ષણો શૉફરને હોય જ ને ? મફત બેસનારનું આભારદર્શન જોવા સાંભળવાની ફુરસદ મેળવવી શૉફરોને ન જ પાલવે ! ક્ષણ માટે સુરેન્દ્રને એમ થયું કે કારને એ સળગાવી દે ! બીજી જ ક્ષણે તેણે વિચાર કર્યો : કારને નહિ, સુરેન્દ્રે પોતાની જાતને સળગાવી મૂકવી જોઈએ !

સુરેન્દ્રે ધીમે રહીને પોતાના ઘરનું બારણું ખોલ્યું. માથે છત્ર આપે એનું નામ ઘર ! અંદર સાંકળ વાસેલી ન હતી. ચોરી અને લૂંટનો ભય ગરીબોને નહિ જેવો જ હોય છે એટલે તેમનાં મકાનોને બંધ કરવાની ચીવટાઈ ભરી યોજના ગરીબો અમલમાં મૂકતાં નથી. નાનકડી ઓરડીમાં નાનકડો દીવો બળતો હતો, ફર્નિચરનો એ ઓરડીમાં બિલકુલ અભાવ હતો. બેત્રણ ચટાઈઓ પાથરેલી હતી; એને ફર્નિચર કહી શકાય નહિ. ચકચકતાં સ્વચ્છ થોડાં વાસણો ઓરડીનો શૃંગાર બની રહ્યાં હતાં. ચટાઈ ઉપર બે ગોળ તકિયા પણ હતા, કેટલાંક પુસ્તકો એક પેટી ઉપર પડેલાં હતાં. સ્વચ્છતા પૂરી હતી; પરંતુ એ સ્થળને ધનિકપણાની કે શોખની કોઈ નિશાનીથી વિભૂષિત કરવામાં આવ્યું ન હતું.

એક ચટાઈ ઉપર બેઠેલી સુરેન્દ્રની માતા તે જ ક્ષણે દીવા પાસે એક વાટવો ખાલી કરી રહી હતી. વાટવામાંથી થોડા પૈસા,આના અને બેત્રણ રૂપિયા નીકળી બહાર પડ્યાં. સુરેન્દ્રે ધીમે રહી બારણું બંધ કર્યું. પરંતુ માતાને ખબર ન હતી કે સુરેન્દ્ર ઘરમાં આવી તેની પાછળ શાંતિથી ઊભો