પૃષ્ઠ:Snehashristi.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
 
લાજ-મલાજો
 

‘ચમકવાની જરૂર નથી... આ ગાડીવાળો ભલે સાંભળે ! તોય હું કહું છે કે તારી સાથે પ્રેમ કરતી જ રહીશ.’ ચમકી ઊઠેલા સુરેન્દ્રને શ્રીલતાએ કહ્યું.

‘પરંતુ... એમાં મને મુશ્કેલી તો ખરી જ ને ?’ સુરેન્દ્રે બીતે બીતે જવાબ આપ્યો.

‘પુરુષોને પ્રેમમાં કદી મુશ્કેલી પડે જ નહિ ?’

‘કેમ એમ ?’

‘જો ને ! મધુકરે મારો પ્રેમ જતો કર્યો અને હવે જ્યોત્સ્ના તરફ વળ્યો.’

‘એનું મધુકરને બહુ દુઃખ દેખાતું નથી.’

‘હું એ જ કહું છું ને ! પ્રેમમાં પુરુષ કદી દુઃખી થતો જ નથી. જ્યોત્સ્નાના સાથે મધુકરનું લગ્ન થાય એટલી જ વાર... પછી એ મધુકર નવો પ્રેમ કરશે.’

‘શ્રીલતા ! હું એમ પૂછું છું કે સ્ત્રીઓને પ્રેમ સિવાય બીજી વાત જ સૂઝતી નથી શું ?’

‘પુરુષોનું પણ એમ જ છે. બન્ને વચ્ચે પ્રેમની શરત રચાય છે... સ્ત્રીઓને તો પ્રેમ પછી, ઘર અને બાળકનો પણ વિચાર આવે; પુરુષને તો પ્રેમ સિવાય બીજો ખ્યાલ જ રહેતો નથી. એટલે એ પુરુષ સર્વદા પ્રેમમાં જીતે જ છે... અને પ્રેમનાં ઇનામો કબાટમાં ભેગાં કરે છે.’

‘પરંતુ મારે પ્રેમમાં જીતવું નથી... હારવું છે.’

‘હરવાનો ધંધો જ તું લઈને બેઠો છે. એમાં કોઈ શું કરે ?’

‘પછી તું તો પ્રેમ કરવાની મને ધમકી આપે છે !’

‘ધમકી નહિ... એ સત્ય છે.’

‘તો પછી મારે ક્યાં ભાગવું?’

‘ભાગવાની જરૂર જ ક્યાં છે ?’... તું તો સ્વાતંત્ર્યનો હિમાયતી છે