પૃષ્ઠ:Snehashristi.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાજ-મલાજોઃ ૨૩૫
 

સાથેના પ્રેમમાં એ ભલે સુખી થતી ! મધુકર અને જ્યોત્સ્ના અત્યારે શું કરતાં હશે એની કલ્પના સુરેન્દ્રે શા માટે કરવી જોઈએ ? કોઈ ક્લબમાં ગયાં છો ? કારમાં ફરવા ગયાં હશે ! અથવા કોઈ ચલચિત્ર જોતાં બેઠાં હશે !

પરંતુ સુરેન્દ્રની એ કલ્પના સાચી ન હતી. જ્યોત્સ્ના મધુકર સાથે કારમાં પાછી ફરતી હતી એ સાચું, પરંતુ મધુકરની બહુ જ ઈચ્છા છતાં જ્યોત્સ્ના તેને અઢેલીને કે અડીને બેઠી નહિ, અને મધુકરના તેવા પ્રયત્નો તેણે નિષ્ફળ બનાવ્યા હતા. મધુકર સાથે જ્યોત્સ્નાએ વાત પણ કશી કરી નહિ. અને તેને વાતમાં દોરવાની મધુકરની ચબરાકી પણ જાણે નિરર્થક બનતી હોય એમ જ્યોત્સ્નાનું વલણ મધુકરને દેખાયું.

‘અત્યારે ક્યાં જઈશું ?’ મધુકરે અશબ્દ સાન્નિધ્યમાં શબ્દ મૂકી જાગૃતિ લાવવા માંડી.

‘ઘેર જ જઈશું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘હજી ઘણો વખત રહેશે... તું કહે તો ક્લબમાં જઈએ.’

‘ના રે ! મને એ પત્તાં, નિંદા અને હસાહસ પસંદ નથી.’

‘તો... બગીચામાં જઈ ઘડી બેસીએ.’

‘અબોલ ખીલતાં પુષ્પોને માનવવાણી રંજ પહોંચાડતી લાગે છે...’

‘તુંયે કાંઈ કવિતા લખવા જેવું બોલે છે !’ મધુકરે હસીને કહ્યું.

‘મને હમણાં ઘણી કવિતા સ્ફુરે છે.’

‘તો ચાલ. આપણે એક સરસ ચિત્ર જોઈએ.’

‘ના, આજ નહિ... ફરી કોઈ વાર...’

‘હું કહું છું એ ચિત્ર આજ છેલ્લું જ બતાવાશે...’

‘બીજાં આવશે ને ?’

‘પણ આવું સારું નહિ હોય !’

‘ઉત્તમોત્તમ નથી એવી જાહેરાત વાળું એક ચિત્ર કદી હોય ખરું?’

‘જવા દે આજ !’ કહી જ્યોત્સ્નાએ ખસી ગયેલો માથા ઉપરનો સાડી છેડો સફાઈપૂર્વક ગોઠવ્યો અને બારી બહાર એણે નજર સ્થિર કરી.

મધુકર આ ગુમાનભરી ધનિક છોકરીની અર્થહીન આડાઈ જોઈ રહ્યો - વિચારી રહ્યો. લગ્ન સુધી પુરુષપ્રેમીઓને સ્ત્રીપ્રેમીની આડાઈ સહન કરવી જ રહી. પરંતુ લગ્નમાં સ્ત્રીઓની બધી જ વિચિત્રતાનો અંત લાવવાનો ઇલાજ સમાયેલો છે એમ મધુકરનું જ્ઞાન ન હોય એવું બને જ નહિ. લગ્નને પ્રથમ દિવસે જ આ લાડઘેલી ને મનમોજી જ્યોત્સ્નાને સીધી