પૃષ્ઠ:Snehashristi.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્યમ વર્ગનાં ગૃહ:૧૭
 

રહ્યો હતો.

માતાએ એકાએક માથે હાથ મૂક્યો અને તેનાથી બોલાઈ ગયું :

‘હવે આ છેલ્લી મિલકત !… છોકરાના બાપ અદૃશ્ય થયા… છોકરાને ભણાવ્યો… એ ભણ્યો… પણ એને કમાવું નથી… સેવા…’

‘મા ! એટલું જરૂર કમાઈશ કે જેમાંથી તારી સેવા તો થઈ જ શકે !’ પાછળ ઊભેલા સુરેન્દ્રે માને વાક્ય પૂરું કરવા ન દેતાં કહ્યું.

પુત્રનો અણધાર્યો પ્રવેશ અને માતાના ઉચ્ચારણનું શ્રવણ માને ચમકાવી રહ્યું. પુત્ર હજી સુધી આવ્યો નહોતો. એની ચિંતા તો હતી જ; તેમાં એ માતાનું દુઃખ સાંભળી ગયો ! હજી સુધી માતાએ પોતાની આર્થિક વિટંબણા અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો - પુત્રના દેખતાં. પુત્ર પોતાની ગરીબી ન સમજે એવો પણ ન હતો. પુત્રના ભણતર પાછળ માતાએ પોતાનાં ઘરેણાં કેમ કાઢી નાખ્યાં હતાં તેની પુત્રને ખબર હતી જ. સમજ પડવા માંડી ત્યારથી પુત્રે પોતાનો અભ્યાસ સુધારી દીધો હતો અને એને આર્થિક દૃષ્ટિએ લાભકારક બનાવ્યો હતો. પરીક્ષામાં ઊંચે સ્થાને આવી શિષ્યવૃત્તિઓ મેળવવી; હળવા વર્ગના વિદ્યાર્થીઓને ભણાવી તેમાંથી નાની નાની રકમો પ્રાપ્ત કરવી; જરૂર પડ્યે કોઈ કારખાનામાં જઈ રજાના દિવસોમાં કામ કરવું; એવી એવી યોજનાઓમાંથી તેને આછી રકમ મળી રહેતી અને તેવી રકમમાં જ પોતાનો શોખ પૂર્ણ કરવાની તેને ટેવ પડી હતી . જોકે શોખ કહી શકાય એવી એકે ટેવ હજી સુધી સુરેન્દ્રને પડી ન હતી. સારા ભણતરની પૂર્ણાહુતિ પછી ગુજરાન કેમ ચલાવવું તેની ચિંતામાં સુરેન્દ્ર હવે પડ્યો હતો. એને સરકારી નોકરી કરવી ન હતી; જે પગાર પોતાની જરૂરિયાત કરતાં વધારે પડતો હોય એવો પગાર આપતી નોકરી પણ તેને કરવી ન હતી. છતાં કાંઈ પણ કર્યા વગર પોષણ થાય એવી સ્થિતિ તેની રહી ન હતી એ સુરેન્દ્ર જાણતો હતો. અને માતાના કથનથી તેની એ ખાતરી પણ અત્યારે થઈ ચૂકી ! આજે જ તેને જ્યોત્સ્નાના શિક્ષકનું સ્થાન મળ્યું હતું એટલે એણે માતાની ચિંતાનો જવાબ આપ્યો. અણધાર્યા જવાબથી ચમકી ઊઠેલી માતાએ કહ્યું :

‘હાય,હું તો ચમકી ગઈ !… દીકરા ! બધું કરજે. પણ રાત્રે મોડો ન આવીશ ! મારી આંખ… મારો જીવ તું જ છે… ક્યાં આટલી વાર કરી ? બેસ પાસે… તારે ચિંતા કરવાની ન હોય, હું બેઠી છું ત્યાં લગી.’ માતાએ કહ્યું.

‘મા ! કમાણીનો એક માર્ગ હું શોધી લાવ્યો.’

‘એમ ? શો માર્ગ છે એ ? ભણ્યો છે તો સારું… કાંઈ સારી