પૃષ્ઠ:Snehashristi.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
 
અવેતન રંગભૂમિ
 


‘મધુકરને તું કસરત શીખવે છે શું ?’ શ્રીલતાએ કહ્યું.

‘આજના પ્રેમપાગલો કસરત કરતા થાય તો ખોટું નહિ.’ જ્યોત્સ્નાએ કહ્યું. મધુકરના મુખ પર અવનવી ફિક્કાશ ફરી વળી. પ્રેમી પુરુષ પોતાની પ્રેમપાત્ર સ્ત્રી આગળ સૂર્યનમસ્કાર કરે, યુરોપીય ઢબની ઊઠબેસ કરે. અગર ગુલાંટો પણ ખાય તેની હરકત નહિ; સહુ કોઈ એમ કરે જ છે. પરંતુ એ ચાર આંખનો પ્રયોગ છે. એમાં બે આંખ વધી જાય તો એ પ્રેમદર્શન મૂર્ખાઈની ટોચ બની રહે છે. મધુકરની મૂંઝવણ જ્યોત્સ્ના પરખી ગઈ અને શ્રીલતા બીજાં કથનો કરે તે પહેલાં તેનો હાથ ઝાલી તે બોલી ઊઠી :

‘તારી જ રાહ જોવાય છે. ચાલ, મધુકરનો પીછો પકડવાની તારે જરૂર નથી.’ આટલું કહી જ્યોત્સ્નાએ શ્રીલતાને ખેંચી - જેમ કરતાં આજ સુધી તેને કોઈએ જોઈ ન હતી.

મધુકરને છોડી આમ બંને સખીઓ એકાએક મકાનના બીજા ભાગમાં ચાલી ગઈ. એ બીજા ભાગમાં હમણાં હમણાં બહુ જાગૃતિ આવી ગઈ હતી. જ્યોત્સ્ના, શ્રીલતા અને બીજી સખીઓએ ગોઠવેલા દૃશ્યને સફળ કરવાની Practice મહાવરો - અભ્યાસશ્રેણી ત્યાં ચાલતી હતી. હોંશભરી કિશોરીઓ, યુવતીઓ અને વિશેષતઃ તેમની માતાઓ એ વિભાગને પોતાનો બનાવી રહી હતી. સંગીતકાર, વાદ્યકારો, નર્તકો ભેગાં થઈ કેળવાયલી કિશોરીઓને વધારે ચોકસાઈભર્યું કલાશિક્ષણ આપતાં હતાં - જેની એ કિશોરીઓને બહુ જરૂર લાગતી ન હતી. રાગ ભલે ન સમજાય. વાદ્ય ભલે પકડતાં ન આવડે, નૃત્યની મુદ્રા શું એનો ખ્યાલ ભલે ન હોય, છતાં આજની ભણેલી કિશોરીઓ અને યુવતીઓ એમ જ માને છે કે સંગીત રત્નાકર તેમના જ કંઠે રચી આપ્યો, વીણાની મીંડ કે સિતારના તોડ એમની વાણીમાંથી જ ઊપજ્યા. નૃત્યશાસ્ત્ર તેમનાં હલનચલનમાંથી જીવંત બન્યું અને આખી અભિનયકલા તેમના હાથ, પગ,