પૃષ્ઠ:Snehashristi.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬:સ્નેહસૃષ્ટિ
 

હોય ! અને ભારતના પ્રધાનોનું સર્વજ્ઞપણું પણ એ જ સ્વમહત્ત્વને તૂંબડે તરતું હોય ત્યાં નાટ્યપ્રયોગો કરતાં યુવક-યુવતીઓમાં પણ એ લક્ષણ આગળ તરી આવે એમાં નવાઈ પામવું ન જ જોઈએ. છતાં નાટ્યપ્રયોગ થયે જાય છે અને આપણે કલાભાવનાને - અને સાથે સાથે આપણી ઈષ્યાર્ને - જીવંત રાખીએ છીએ, એ માનવજાતને માથે નાનોસૂનો આશીર્વાદ નથી જ. ઈષ્યાર્ને સહુ કોઈ વગોવે છે, પરંતુ એ ભાવે માનવજીવનમાં જે જે રંગ પૂર્યા છે એ પ્રેમે પણ નહિ પૂર્યા હોય એમ સાબિત કરી શકાય એમ છે.

ધંધાદારી રંગભૂમિની પાછળ જેમ એક દુનિયા રહેલી છે તેમ અવેતન રંગભૂમિની પાછળ પણ એક ચમકતી દુનિયા રહેલી છે. જેમાં સ્વાંગ ભજવનાર પાત્રો તો ભાગ લે છે જ; છતાં એ પાત્રોની માતાઓ અને કંઈક અંશે પિતાઓ અને ભાઈબહેનો - જે દોરીસંચાલન કરે છે એની બરોબરી મુત્સદ્દીઓ પણ કરી શકે એમ લાગતું નથી. સુંદર અને પ્રેરણાદાયી સ્ત્રીજાત અવેતન રંગભૂમિ પાછળની દુનિયામાં જે સ્વાભાવિક ચેષ્ટા કરે છે એમાં ખાસ કરીને જેવો વાત્સલ્ય ભાવ તરી આવે છે એવો બીજા કોઈ પણ સંજોગોમાં તરી આવતો નથી.

એક કિશોરીએ નૃત્ય કર્યું. એ કિશોરીને અને એની માતાને એ નૃત્યમાં એવી અલૌકિક ખૂબીઓ દેખાઈ કે જેવી ઈન્દ્રે ઉર્વશીરંભાના નૃત્યમાં પણ જોઈએ નહિ હોય. દૃશ્ય નિહાળનાર સહુ કોઈ તેના ઉપર ધન્યવાદ અને તાળીઓ વરસાવશે એવી આશામાં ચારે તરફ નિહાળી રહેલી માતાએ સહજ દૂરથી પણ સ્પષ્ટ સંભળાય એમ લાલિત્યભર્યા સ્ત્રીકંઠમાંથી ધીમે ઉદ્‌ગાર આવતો સાંભળ્યો :

‘ડાન્સ એ કાંઈ મોં ઉપરથી મચ્છર-માખી ઉડાડવાનો પ્રયોગ નથી.’

‘તે, બહેન ! તમારા મનમાં એમ હશે કે છોકરીને તાણ આવે ત્યારે જ સાચું નૃત્ય થાય, નહિ ?’ નૃત્ય કરતી યુવતીની માતાએ ઠાવકાશપૂર્વક જવાબ વાળ્યો.

‘મેં કાંઈ તમારી દીકરી માટે કશું કહ્યું નથી… હું તો નૃત્યની કલા વિષે સામાન્ય વાત કરું છું.’ પ્રથમ અભિપ્રાય આપનાર સન્નારીએ જવાબ આપ્યો. તેમની સુપુત્રીએ એક વખત નૃત્યમાં એવા હાથપગ વીંઝ્યા હતા કે કોઈએ તેને તાણ આવ્યાની ઉપમા આપી સંતોષ લીધો હતો.

‘તે તમે નાનપણમાં બહુ નાચેલાં ખરાં ને, એટલે બધું જાણો જ ને ?’

‘આપણાં નાનપણને જરા બાજુએ જ રાખો ને બહેન ! નાનપણમાં કોણ નાચ્યું હતું એના રાસડા હજી મને યાદ છે…’