પૃષ્ઠ:Snehashristi.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અવેતન રંગભૂમિઃ ૨૪૭
 

 સ્ત્રીઓની આંખમાં તો કટાક્ષ હોય; પરંતુ આંખ કરતાંય જીભમાં વધારે તીવ્ર કટાક્ષ હોય છે. કોઈ કિશોરીના અભિયનમાં ધીમો હાથ ફરતો હોય તો એને એ કટાક્ષ મચ્છર-માખી ઉરાડવાનો પ્રયોગ પણ કહી શકે અને જોરથી હાથ ફરતો હોય તો એ જ કટાક્ષ એને હિસ્ટીરિયા કે તાણ જોડે બેસાડી દે. નાનપણમાં સારા ગરબા ગાનારને વધારે આમંત્રણ મળ્યાં હોય ત્યારે એને કટાક્ષમાં નાચેણ સાથે પણ સરખાવી શકાય, અને કોઈની કિશોરાવસ્થામાં પ્રેમની પંચાત કે ખેંચતાણ અંગે કોઈએ જોડકણું જોડ્યું હોય તો તેને રાસડાનું મહત્ત્વ પણ સ્ત્રીનો કટાક્ષ આપી શકે. જાહેર રંજનસમારંભો તો જોવાલાયક હોય છે જ ! પરંતુ સમારંભની તૈયારીનો યુગ એથી વધારે જોયામણો હોય છે ! સમારંભમાં પાત્રો તો શ્રોતાઓનું સારી રીતે મનોરંજન કરે જ છે પરંતુ એ પાત્રોની માતાઓના અન્યની પુત્રીઓ માટેના મત, અભિપ્રાય તેમ જ કટાક્ષ એથી પણ વધારે મનોરંજક હોય છે. એક પણ જાહેર રંજનકાર્યક્રમ પાત્રોનાં રિસામણાં-મનામણાં, માબાપ - અને ખાસ કરી માના કટાક્ષ અને થોડાં અશ્રુવહન અને યુવકોના અબીભત્સ ગાલિપ્રદાન સિવાય સફળ થયો હોય તો તેની નોંધ રાખવા સરખી છે. ઇતિહાસ તો કહે છે કે રંજન કાર્યક્રમનો એ જ મહત્ત્વનો ક્રમ હોય છે, અને એ ઇતિહાસ એકલા મુંબઈ કે અમદાવાદમાં જ રચાય છે એમ માનવાની જરૂર નથી; સુરત, વડોદરા અને રાજકોટ-ભાવનગર… અરે જ્યાં જ્યાં રંજનકાર્યક્રમ ત્યાં ત્યાં આવું ઉત્તેજક મનોરંજક વાતાવરણ તો ખરું જ !

જ્યોત્સ્નાએ તથા શ્રીલતાએ મળીને કિશોરીઓને સમજાવી, કિશોરીઓની માતાઓને મનાવી, સહુને એક અગર બીજી રીતે મહત્ત્વ આપી અપાવી, પોતાની ગાડીઓમાં સહુને લાવી લેઈ જઈ ચા-નાસ્તો પિવરાવી-ખવરાવી એક પ્રયોગ ઊભો તો કર્યો, અને એ પ્રયોગનો ‘ગ્રેન્ડ રીહર્સલ’નો દિવસ પણ આવી પહોંચ્યો. બગીચાના ચોગાનમાં સ્ટેજ-રંગભૂમિની રચના કરવામાં આવી. અત્યંત સુશોભિતપણે એ વિભાગને શણગારવામાં આવ્યો. વીજળીની રંગબેરંગી ચમક પણ ચીતરાઈ ચૂકી. ખુલ્લામાં પ્રેક્ષકોને બેસવા માટે પણ સફાઈ અને સગવડભરી ગોઠવણ થઈ ચૂકી હતી. પાત્રોનાં સગાંવહાલાં, ભાઈભાંડુ, માતાપિતા તથા આડોશીપાડોશી માટે પણ ‘ગ્રેડ રીહર્સલ’ વખતે પૂરતી સગવડ રાખવામાં આવી, અને આખી દૃશ્યવ્યવસ્થા શ્રીલતા તથા જ્યોત્સ્નાએ માથે લઈ લીધી હતી. મિત્ર તરીકે સુરેન્દ્રને સહાય માટે બોલાવવામાં આવ્યો હતો - અને મધુકરને